ચોરીનો ભેદ ઉકેલાયો:ઉમરપાડામાં 66 કે.વી સબ સ્ટેશનમાં થયેલી ચોરીનો પર્દાફાશ; રૂ. 15.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 5ની અટકાયત; 7 વોન્ટેડ

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 66 કે.વી સબ સ્ટેશનમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. રૂ. 15.60 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરી ચોરી કરનારા તેમજ ચોરીના વાયરો લેનારા 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય 7ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

રૂ. 15.60 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરાયો
થોડા દિવસ પહેલા ઉમરપાડા પોલીસ મથક હદ વિસ્તારમાં બરડી ગામ ખાતે આવેલ 66 કે.વીનાં નવા સબસ્ટેશનમાં કોપરના વાયરો સહીત અલગ આલ્બ સ્પેરપાર્ટની ચોરી થઈ હતી. જે મામલે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પેરોલ ફ્લોનાં પી.આઈ એ.ડી.ચાવડાને બાતમી મળી હતી કે ઉમરપાડા વિસ્તારમાં થયેલી ચોરી બબલુ ઉર્ફે બલદેવ વસાવાએ તેના સાગરીત સાથે મળીને કરી છે. જે ચોરીનો સમાન મારુતિ વાન કાર નં. GJ-16-BB-2916 લઈ જનાર છે અને શાહનવાઝ નામના વ્યક્તિ સાથે ચોરીના સમાનનાં પૈસાની લેવડ દેવડ માટે મોસાલી ચાર રસ્તાથી માંગરોલ તરફ જતા રોડ પર ભેગા થનાર છે જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી 5 આરોપીઓની અટક કરી હતી.

બાતમીના આધારે પોલીસે રેડ કરી 5 આરોપીઓની અટક કરી
પોલીસે ચોરી કરનાર બલદેવ ઉર્ફે બલ્લુ બાલુ વસાવા, રાજુ વેચાણભાઈ વસાવા તેમજ ચોરીનો મુદ્દામાલ રીસીવર કરનાર મોહમદ શાબજ ઉર્ફે શાહબાજ મોહમદ સરફરાઝ, આરીફ શહીદ મેવ તેમજ પ્રદીપ જવાહરલાલ ચૌરસીયાની અટક કરાઈ છે. જ્યારે 7 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે કોપર બોન્ડ નંગ 2 , કે.વી.સી.ટી કોઈલ નંગ 1, કોપરની પટ્ટીઓ તથા પરચૂરણ એસેસરીઝ, ટ્રાન્સફોર્મર આઇસોલેટર બ્લેડો, કોપર બસબાર પટ્ટા, મારુતિ વાન મોબાઇલ ફોન તેમજ અંગ ઝડતીની રોકડ મળી 15 લાખ 60 હજાર 500નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...