બોધપાઠ:દૂધના ટેન્કર ચાલકને માર મારનાર ત્રણને ગ્રામજનોએ દંડ ફટકારી ઉઠબેસ કરાવી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના માછીસાદડા ગામે યુવાનને ઉઠક બેઠક કરાવતા ગ્રામજનો. - Divya Bhaskar
મહુવા તાલુકાના માછીસાદડા ગામે યુવાનને ઉઠક બેઠક કરાવતા ગ્રામજનો.
  • મહુવરિયા-માછીસાદડાના યુવાનોએ દૂધના ટેન્કર ચાલકને માર માર્યો હતો
  • આગેવાનોએ યુવકોને પોલીસ મથકે લઇ જવાના બદલે સમાધાન કરી પાઠ ભણાવ્યો

મહુવા તાલુકાના મહુવરિયા-માછીસાદડા ગામના યુવાનોએ નજીકના ગામમાં દૂધના ટેન્કર ચાલકને મારમારતા સ્થાનિક રહીશોએ મારામારી કરનાર ત્રણ યુવાનોને દંડ ફટકારી ઉઠકબેઠક કરાવી સજા કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના મહુવરિયા-માછીસાદડા ગામના ત્રણ યુવાનોએ મહુવાને અડીને આવેલ ડોલવણ તાલુકાના ગામના રસ્તા પર નજીવી બાબતે દૂધ મંડળીમાંથી દૂધ વહન કરતા ટેન્કરચાલક સાથે ઝઘડો કરી ચાલકને ઢોર માર માર્યો હતો.

આ બનાવની જાણ થતાં જ ટપોરીગીરી કરવા નીકળેલા યુવાનોને બોધપાઠ મળે તે માટે માછીસાદડા, મહુવરિયા સહિતના ગ્રામજનો પંચાયત પર ભેગા થયા હતા. ત્યાં ત્રણેય યુવાનોને બોલાવી બરાબર ઠપકો આપ્યો હતો અને પોલીસમથકે સોંપવાની ચર્ચા બાદ જાગૃત નાગરિકોએ આ નાની વાતને પોલીસ મથકે નહિ લઈ જઈ ગામમાં સમાધાન સાથે બોધપાઠથી નિરાકરણનો નિર્ણય કર્યો હતો અને મારામારી કરનાર યુવાનો પાસે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલી ચાલકને આપવાનો તેમજ ઉઠકબેઠક કરવાની સજા કરવામાં આવી હતી.

મારામારી કરી બહાદુરીનું પ્રદર્શન કરનાર યુવાનોને પંચાયત પર આગેવાનોની હાજરીમાં ઉઠકબેઠક કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.જે મુદ્દો આખો દિવસ મહુવા તાલુકામા ચર્ચાનો વિષય બન્યો હતો તો બીજી બાજુ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા ગામમાં જ પ્રશ્નના નિરાકરણની આ પહેલને બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...