ભાસ્કર વિશેષ:કીમમાં દરજી કામ કરનારે લોકો માટે ઉનાળાની આકરી ગરમીમાં ઠંડા પાણીની પરબ ઉભી કરી

કીમ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરબની સેવા આપતા નિલેશભાઈ - Divya Bhaskar
પરબની સેવા આપતા નિલેશભાઈ
  • આંગણામાં પરબ બનાવી રોજ 180 લીટર પાણી થકી તરસ્યાની તરસ છીપાવે છે

સેવા કરવી હોય તો બહુ મોટા તાયફા કરવા કે પછી પૈસા હોઈ એજ સેવા કરી શકે કે સમય હોઈ એજ સેવા કરી શકે એવું જરૂરી નથી. માત્ર મનમાં સેવાની ભાવના જાગ્રત થવી જોઈએ. પછી તમે ચોક્કસ લોકોપયોગી સેવા કરી જ શકો. કીમ બજાર વિસ્તારમાં રહેતા અને ટેલરિંગ સામાન વેચાણની દુકાન ચલાવતા નિલેશભાઈ તુલસીદાસ ટેલર પોતાના આંગણામાં પીવાના પાણીની પરબ કરી છેલ્લા આઠ વર્ષથી લોકોની તરસ છીપાવી રહ્યા છે ને આ કાર્ય થકી પ્રેરણારૂપ બન્યા છે.

આ અંગે મળતી વિગત મુજબ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને અકળાવી રહી છે. ત્યારે કીમ વિસ્તારમાં બજારોમાં અનેક લોકોની અવરજવર રહેતી હોય છે, જેમાં ખાસ મજૂર, કારીગર વર્ગ બજારમાં ખરીદી અને મજૂરી કરવા આવતો હોય છે. આવી કાળઝાળ ગરમીમાં પાણી અને એ પણ ઠંડુ વિના મૂલ્યે મળી રહે એ ખૂબ રાહતની વાત છે.

કીમમાં આમ પણ પીવાના પાણીની પરબની કોઈ યોગ્ય સગવડ નથી ત્યારે નિલેશભાઈ ટેલરની પીવાના ઠંડા પાણીની પરબની સેવા ખૂબ જ આવકારદાયક બની રહે છે. છેલ્લા આઠ વર્ષથી નિલેશભાઈ પોતાની બાઇક ઉપર રોજ મિનરલ ઠંડા પાણીના કેરબા લેવા જાય અને જાતે એમાં પાણી ભરે અને ક્યારેક જાતે પાણીનું ગ્લાસ આપી પાણી પીવડાવવાની સેવા પણ કરે.\

રોજ 180 લીટર પાણી હાલ ઉનાળાની ગરમીમાં પરબ પરથી પીવાય છે. જે ઉનાળા સિવાયની ઋતુમાં 70 થી 80 લીટર જેટલું પાણી પીવાય છે. ઉનાળાના બળબળતા તાપમાં ગરીબ, શ્રમિક કે પછી કોઈપણ પાણી પીને જનાર નિલેશભાઈને આશીર્વાદ આપી જતા હશે એ ચોક્કસ છે. ત્યારે નિલેશભાઈની આ સેવાને સૌ કોઇ આવકારે છે.

અન્ય સમાચારો પણ છે...