તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઓનલાઇન હનીટ્રેપમાં ફસાવી વીડિયો વહેતો કરી બદનામ કરનાર ગેંગનો સૂત્રધાર રાજસ્થાનથી ઝબ્બે

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્લેકમિલિંગ, જેમાં પુરુષના અવાજમા વાત કરે, સામે મહિલાનો અવાજ સંભળાતો હતો

સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસો અગાઉ ઘણા યુવકો ઓનલાઈન હનિટ્રેપનો શિકાર બન્યા છે. જેમાં જિલ્લાના પોલીસ અધિકારીથી લઈ બારડોલી નગરસેવક, વેપારી સહિત અન્ય યુવકો ગેંગનો શિકાર બન્યા છે. જેમના અશ્લીલ વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરતા પોલીસમાં ફરિયાદ આપી હતી. જે બાબતે સુરત જિલ્લા એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી.

આ ગેંગનું પગેરું રાજસ્થાનમાં હોવાની કડી મળતા, પોલીસે રાજસ્થાન તપાસ માટે એક ટીમ રવાના કરી હતી અને ભરતપુરથી એક આરોપીને જિલ્લા એલસીબીએ ઝડપી પાડયો હતો. આ ગેંગ મોબાઇલમાં એવી એપ્લીકેશન રાખતા, જેમાં પુરુષના અવાજમાં વાત કરે અને સામે મહિલાનો અવાજ સંભળાય જેથી યુવકો આસાનીથી જાળમાં ફસાતા હતા. વિડીયો કોલ દરમિયાન યુવતીનો અશ્લીલ વિડીયો કેમેરા સામે સેટ કરી યુવકની હરકતોનું સ્ક્રીન રેકોર્ડ કરી વિડીયો બનાવાતો હોવાનું જાણવા મળેલ છે.

બારડોલીના વેપારી, નગરસેવક દક્ષેશ શેઠ તેમજ અન્ય વ્યાપારી અને યુવકોના અશ્લીલ વિડીયો વાઇરલ થતાં નગરમાં ભારે ચકચાર મચી હતી. સમગ્ર પ્રકરણમાં એક ટોળકી ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીના ફેક આઈ.ડી. બનાવી યુવકોને ફસાવ્યા હતા. ત્યારબાદ યુવતીના બીભત્સ વિડીયો બતાવી યુવકોને ઉત્તેજિત કરી તેમની અશ્લીલ હરકતો મોબાઇલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા હતા. ત્યારબાદમાં યુવકોના વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા માંગવામાં આવતા હતા. રૂપિયા ન આપે તો વિડીયો વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

આખર હકીકત અંગે પોલીસમાં ફરિયાદ કરતા સુરત જિલ્લા એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ એક્સપર્ટ તેમજ વિવિધ સોશિયલ મીડિયાની કંપનીઓ પાસેથી તેમજ બેન્ક એકાઉન્ટની ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા, જેમાં ગેંગ રાજસ્થાનના અલવર તેમજ ભરતપૂર જિલ્લામાં સક્રિય હોવાની માહિતી બહાર આવતા સુરત એલ.સી.બી.ની ટીમ તપાસ માટે રાજસ્થાન પહોંચી હતી. જ્યાં મોબાઇલ ટાવરના લોકેશનના આધારે પોલીસે સલિમ મહમદ અકબર ખાન સૈયદ (24 ) (રહે ચીચરાડા, તા. રામગઢ, જી. અલવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસની પૂછતાછ કરતાં અન્ય બે આરોપીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. એલસીબીએ અન્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે. પોલીસે પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

એક ટીમ હજુ રાજસ્થાન
જિલ્લા એલસીબીની ટીમ હનીટ્રેપમાં ફસાવનાર મુખ્ય સૂત્રધાર પકડતાં જ ટીમ પરત ફરી હતી. જોકે, હજુ એક ટીમ તપાસના કામે રોકાઈ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...