બારડોલી નગર અને તાલુકામાં તસ્કરો બેફામ બન્યા હોઈ તેમ દરરોજ ઘરફોડ ચોરીઓના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગત રોજ તેનરોડ પર આવેલ સનસીટી સોસાયટીમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા. ચોરો દ્વારા 5 જેટલા ઘરોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળેલી બારડોલી પોલીસે ખેતરાડી વિસ્તાર નજીક તેમજ રેલવે ટ્રેક નજીક આવેલી સોસાયટીઓમાં મિટિંગોનો દોર શરૂ કર્યો છે. સોસાયટીના રહીશોએ રાખવાની તકેદારી બાબતે પોલીસ દ્વારા સુજાવ પણ આપવામાં આવ્યા હતા.
પોલીસે લોકોને સજાગ રેહવા જણાવ્યું
બારડોલીમાં તસ્કરો પેઢે પડ્યા હોય તેમ નગર અને તાલુકાના ગામોમાં છેલ્લા 1 મહિનામાં 40 થી વધુ ઘરોને નિશાન બનાવી ચોરી તેમજ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને નગર તેમજ તાલુકાના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર બેરીકેટ મૂકી રાત્રી દરમિયાન પોલીસ કર્મીઓ તેનાદ કરી દેવાયા છે. બીજી તરફ તસ્કરો ખેતરાડી તેમજ રેલવે ટ્રેક નજીક આવેલ સોસાયટીઓને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસે નગરના આસપાસ આવેલી તમામ સોસાયટીઓનાં રહીશો સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે. પોલીસ દ્વારા મિટિંગમાં સ્થાનિક રહીશોએ રાખવાની તકેદારીઓ બાબતે માહિતી આપી હતી. તસ્કરો આસાનીથી દીવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશી ન શકે તે માટે સોસાયટીની આસપાસની દીવાલ ઊંચી કરી તારનું ફેન્સિન્ગ કરવા જણાવાયું હતું. સોસાયટીમાં રાખવામાં આવતા વોચમેનો યુવાન રાખવા માટે જણાવાયું. જેથી રાત્રી દરમિયાન તસ્કરો સોસાયટીમાં આવે તો વોચમેન તાત્કાલિક દોડીને એક છેડેથી બીજા છેડે પહોંચી જાય. ઘરની આસપાસ કઇ પણ ચહલ-પહલ કે અજુગતું લાગે તો તાત્કાલિક ઘરની તમામ લાઈટો ચાલુ કરી આસપાસનાં લોકોને તાત્કાલિક સજાગ કરવા અને પોલીસને જાણ કરવી. સોસાયટીમાં લગાવાયેલા તમામ CCTV કેમેરાઓ કાર્યરત રાખવા જેવા અન્ય સુજાવો પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.