તપાસ:તું દારૂ વેચાણ કરે છે પૈસા આપવા પડશે કહી પોલીસના પંટરોએ મહિલાની છેડતી કરી

પલસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારેલીમાં મહિલાના ઘરમાં ઘુસી ખંડણી માંગતા પોલીસે બે ને ઝડપી લીધા

બારડોલી ડિવિઝનના એક પોલીસ અધિકારીના બે પંટરોએ તું દારૂનો ધંધો કરે છે, પૈસા નહીં આપશે તો ખોટો કેસ કરાવીશ એવું કહી પલસાણા તાલુકાના એક ગામમાં રહેતી એક મહિલાની છેડતી કરતા ચકચાર મચી ગઇ છે. મહિલાએ બંને પંટરો વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી બારડોલી ડિવિઝનમાં ફરજ બજાવતા એક પોલીસ અધિકારીના બે પંટરોએ માંડવી, પલસાણા, મહુવા, બારડોલી ગ્રામ્ય સહિતના પોલીસ મથક વિસ્તારમાં આતંક મચાવ્યો છે. દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર જઈ બુટલેગરોને તેમજ સામાન્ય માણસો પાસે પણ આડેધડ પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આવ્યા છે. પલસાણાના એક ગામમાં રહેતી 42 વર્ષીય મહિલાએ છેલ્લા બે વર્ષથી દારૂનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં આ બે પંટરો ગુરુવારે સાંજે પૈસાની માગણી કરવા ગયા હતા.

સાંજે સાડા સાત વાગ્યે મહિલા તેની મોટી વહુ સાથે ઘરમાં બેઠી હતી તે સમયે બે પૈકી એક શખ્સ તેમના ઘરમાં આવ્યો હતો અને તમે દારૂનો ધંધો કરો છો. ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે\" એમ કહેતા મહિલાએ પોતે બે વર્ષ પહેલાં જ ધંધો બંધ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.

મહિલાના જવાબથી પંટર એકદમ ઉશ્કેરાય ગયો હતો અને મહિલાનો હાથ પકડી લઈ જો તું રૂપિયા નહીં આપશે તો તારા ઉપર ખોટો કેસ કરાવીશ તેવી ધમકી આપી હતી. મહિલાની વહુએ તરત જ પોલીસને ફોન કરતા પલસાણા પોલીસ સ્થળ પર આવી ગઈ હતી અને બંને ઇસમને પકડી લીધા હતા. પોલીસ પૂછપરછમાં તેમણે પોતાના નામ અમન બાબુ પટેલ (રહે, ઉમાવિહાર સોસાયટી, દસ્તાન, મૂળ રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, સુરત) અને સંતોષ સુભાષ પાટીલ (રહે સુખસાગર રેસિડેન્સી, પાંડેસરા, સુરત) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...