માલિક દ્વારા વિરોધ:બારડોલીમાં વરસાદી લાઈન માટે પાઇપ નાંખવા પહોંચેલી પાલિકાની ટીમ વિરોધ થતાં પરત ફરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદી લાઇન અંગે ચર્ચા કરતી ટીમ. - Divya Bhaskar
વરસાદી લાઇન અંગે ચર્ચા કરતી ટીમ.
  • એમ.એન.પાર્ક સામે થઇ રહેલી કામગીરીનો પ્લોટના માલિક દ્વારા વિરોધ

બારડોલી નગરમાં ડીએમ નગર અને એમ.એન.પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી, પાલિકાના શાસકોએ રહીશોના હિતને ધ્યાનમાં રાખી રુદ્ર ડેવલોપર્સની પાછળના ભાગેથી ખાડીમાં 1800 એમએમના મોટા પાઇપ નાંખીને આચાર્ય તુલસી માર્ગનો રસ્તો ક્રોસ કરીને માર્ગની સાઈડમાં ભરવાડ વસાહતના ગરનાળામાં કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરી વરસાદી પાણીનો ઝડપભેર નિકાલ થઈ શકે. પરંતું પાઇપ લાઈન એમ.એન.પાર્કની સામે ખુલ્લા પ્લોટની રસ્તાના માર્જિનમાં ખોદીને આગળ લઈ જવાની હોય, જે બાબતે ખાનગી મિલકત માલિકે ખોદકામ કરવા બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં પાલિકાના શાસકપક્ષના નેતા પણ સાથે જોડાતા વિવાદ ઉઠ્યો હતો.

આખર વરસાદી લાઈનની કામગીરીમાં અડચણ આવી હતી. એકતરફ પાલિકા આચાર્ય તુલસીમાર્ગની રોડ માર્જીનમાં ખોદકામ કરવાનું જણાવે છે, જ્યારે ખુલ્લા પ્લોટના માલિક રસ્તાને અડીને પોતાની મિલકત હોવાનું જણાવી વિરોધ કરતા પાલિકાની ટીમ પરત ફરી હતી.બારડોલી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ , બાંધકામ વિભાગના ચેરમેન જેનિષ ભંડારી સહિત પાલિકાના બાંધકામ વિભાગના અધિકારીઓ એમ.એન.પાર્કની સામે ખુલ્લા પ્લોટની સાઈડમાં રોડ માર્જિનમાં ખોદકામ કરી નીચે પાઇપો નાખવા બાબતે સ્થળ પર પહોંચ્યા હતા.

પરંતુ ખાનગી મિલકત માલિકે પોતાની તરફ ખોદકામ કરવા બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ રોડ માર્જીન જગ્યામાં જ ખોદકામ કરીને લાઈન કરવા બાબતે જરૂરી ચર્ચા કરી હતી, પરંતુ પાલિકાના શાસકપક્ષના નેતા પરેશ પટેલે પણ ખાનગી મિલકતની તરફેણમાં સુર પુરાવતા વિવાદ થયો હતો. નગરહિતની સુવિધાનું સુખાકારી કામ શરૂ થવા પહેલા જ અટકી ગયું હતું.

ખાનગી મિલકત માલિકે પોતાની હદ હોવાનું લેખિતમાં જણાવી વિરોધ વ્યક્ત કર્યો છે. આખર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ વીલા મોઢે પરત ફર્યા હતા. પાલિકાના કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહે નગરનો સાડા બાર મીટરનો માર્ગ હોય, રોડ માર્જિનમાં જ ખોદકામ કરવા જણાવ્યું હતું. જ્યારે રોડ માર્જીનની વાત હોય તો, પાલિકાના અધિકારી પાસે જરૂરી નક્શામાં તપાસ કરી નગરહિતની સુવિધાનું કામ કરવામાં અડચણ ક્યાં આવે ? જેવા પ્રશ્ન નગરજનોમાં ઉઠ્યા છે.

શાસકપક્ષના નેતા પરેશભાઈ પટેલને પાલિકામાં બોલાવી લાઈનનું કામ શરૂ કરવા બાબતે પ્રમુખ અને કારોબારીએ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી, પરંતુ કોઈ નિર્ણય આવ્યો ન હોવાનું જાણવા મળેલ છે. નવી વરસાદી લાઈનથી ડી.એમ. નગર અને એમ.એન.પાર્ક સોસાયટીમાં ચોમાસુમાં વરસાદી પાણીનો મોટા ભાગે નિકાલ થઇ શકે એમ હોવાનું જણાવે છે. ત્યારે પાલિકાના શાસકો આ બાબતે મૌન સેવે, કે પછી નગરજનો માટે હિતલક્ષી નિર્ણય લેશે, જેની રાહ જોવી રહી.

અન્ય સમાચારો પણ છે...