સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં 34 વર્ષીય યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનો મોટો ઘા જોવા મળ્યો હતો. કામરેજ પોલીસે યુવાનની તપાસ હાથ ધરતા યુવાન મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું.
ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ; યુવાન મૂળ મધ્યપ્રદેશનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં પારસી ફળિયાંથી સીમાડી જતા રોડની બાજુમાં ગોવિંદ ભક્તનું શેરડીનું ખેતર આવેલું છે. જેઓના ખેતરમાં ગતરોજ મોડી રાત્રે એક અજાણ્યા યુવાન ઇસમનો મૃતદેહ જોવા મળ્યાની જાણ ગામના સરપંચ બાલુ પટેલ એ કામરેજ પોલીસ કરી હતી. કામરેજ પોલીસ મથકના થાણા અમલદાર હરદીપસિંહ મહેન્દ્રસિંહ અને પો.કો. મેરાજનાઓ તાત્કાલિક વાવ ગામે સ્થળ પર પહોંચ્યાં હતાં. જ્યાં એક અજાણ્યા પુરુષનો ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલો મૃતદેહ ખેતરમાં પડેલો હતો.
હત્યા પાછળનું રહસ્ય અકબંધ
યુવાનનો મૃતદેહ પલાઠી વાળીને સુતેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ તપાસનો દોર શરૂ કરતાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરત શહેરના કાપોદ્રા ખાતે રહેતા 34 વર્ષીય રાહુલ સંતોષ તિવારીની હોવાનું જાણવા મળ્યું હતું. કામરેજ પોલીસે યુવાનના મૃતદેહનો પીએમ કરાવી યુવાનના પરિવાર જનોને મૃતદેહનો કબ્જો સોંપવામાં આવ્યો છે. યુવાનની હત્યા કોણે અને કયા સંજોગોમાં કરી તે દિશામાં ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ યુવાનની હત્યા પાછળનું રહસ્ય હજી પણ અકબંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.