તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢાંકપિછાડા શરૂ:ભાંડો ફૂટ્યા બાદ માર્ગ બનાવવા તંત્ર અધીરું બન્યું: તાબડતોડ કામ શરૂ

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાગળ પરનો માર્ગ સાકાર થવાનો શરૂ - Divya Bhaskar
કાગળ પરનો માર્ગ સાકાર થવાનો શરૂ
  • બારડોલી તાલુકાના કાંટી ફળિયા ગામે રસ્તો બનાવ્યા વગર જ એજન્સીને 2 લાખનું ચુંકવણું કરી દેવાયું હતું

બારડોલી તાલુકા પંચાયતમાં એજન્સીએ કાંટી ફળિયામાં કાગળ પર રસ્તો બનાવી, જેનું બિલ મૂકી સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા મંજુર કરાવી ભષ્ટ્રચાર કરવામાં આવ્યો હતો, જે દિવ્ય ભાસ્કરે શુક્રવારે ઘટસ્ફોટ કરતા જ પદાધિકારીઓ દોડતા થયા હતા, એજન્સીને તાત્કાલિક બોલાવી 2 લાખ રૂપિયા રિકવરી કરી, બીજી એજન્સીને તાત્કાલિક કામ સોંપી રસ્તો બનાવવાનું શરૂ કરાવવામાં આવ્યું હતું. જોકે, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હાજર ન હોવાથી સોમવારે મળનારી સામાન્યસભામાં આગળની કાર્યવાહી બાબતે વિચારણા કરી નિર્ણય લેવા બાબતે જણાવ્યું હતું.

બારડોલી તાલુકા પંચાયતના સભ્યોને પોતાના વિસ્તારના કામો કરવા માટે સ્વભંડોળની ગ્રાન્ટ આપવામાં આવી હતી. તાલુકા પંચાયતની બેઠકના મહિલા સભ્યએ જરૂરિયાતને ધ્યાનમાં લઈ વિકાસના કામો સૂચવવામાં આવ્યા હતા. જેમાં કાંટી ફળીયામાં 80 મીટરનો રોડનું કામ દેવરાજ કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું. પરંતુ એજન્સીએ કામ કર્યા વગર જ બિલ મૂકી અધિકારીઓ સાથેની સાઠગાંઠમાં બિલ મૂકી, રૂપિયા ઉપાડી લીધા હતા. જે હકીકત ગુરુવારે દિવ્ય ભાસ્કરને જાણ થતાં ભ્રષ્ટાચાર બાબતે તપાસ શરૂ કરતાં ઘટસ્ફોટ બહાર આવ્યો હતો.

જેમાં રસ્તા વગર જ નાણાં ઊંચકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાબતે અજાણ હોવાનો રટણ કર્યુ હતુ, પરંતુ રાત્રે જ દોડધામ શરૂ થઈ ગઇ હતી. શુક્રવારે અહેવાલ પ્રસિદ્ધ થતા જ તાલુકા પંચાયતના પ્રમુખ અંકિત હળપતિ, કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈ સહિત સભ્યોએ મિટિંગ કરી હતી, અને એજન્સીને બોલાવી કામ કર્યા વગર રૂપિયા ઊંચકી લીધા હોય, 2 લાખ રૂપિયા તાત્કાલિક ભરાવ્યાં હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ જે રસ્તાનું કામ કરાવાનું હતું, એ માર્ગનું કામ પણ બીજી એજન્સીને સોંપી સવારથી જ કામ શરૂ કરાવી દેવામાં આવ્યું હતું.

પાલિકા બાદ તાલુકા પંચાયત પણ કૌભાંડીને છાવરશે?
સરકારી નાણાં કામ કર્યા વગર ઊંચકી લેવા ગુનાહિત કૃત્ય કહી શકાય, બીજી તરફ એજન્સીને અધિકારી બ્લેકલીસ્ટ પણ કરી શકે. કાંટી ફળિયાના રસ્તા પ્રકરણમાં સોમવારે શાસકો કેવો નિર્ણય લે તે જોવું રહ્યું ? પાલિકાના શાસકોએ પણ કચરા કૌભાંડમાં એજન્સી પાસે માત્ર નાણાં રિકવર કરી, બાદમાં સુંવાળા સંબંધ રાખી બીજું બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. ત્યારે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારને રસ્તા પ્રકરણમાં લોકોની નજર રહેશે.

એજન્સી પાસે 2 લાખ રિકવર, બાકીનો નિર્ણય સોમવારે
શુક્રવારે એજન્સી પાસે 2 લાખ રૂપિયા રિકવર કર્યા છે, બીજા કોઈ પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ટીડીઓ પણ ચાર્જમાં હોય, શુક્રવારે ઓફિસ નહિ આવતા, સોમવાર આ બાબતે વધુ નિર્ણય લેવાશે. સામાન્યસભા મળનાર હોય, જનરલ ચર્ચા કરી એજન્સી સામે કાર્યવાહી કરવા બાબતે અધિકારી સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે.- પરિક્ષિત દેસાઈ, કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયત બારડોલી

અન્ય સમાચારો પણ છે...