સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકાની સેનાખાડીમાં પાણીના ભારે વહેણમાં માલધારી સમાજના 3 ભાઈઓની જીવાદોરી સમાન 7 દૂધાળી ભેંસોના મૃત્યૃ થયા હતા. આ કુદરતી આપત્તિના કારણે થતા પશુ મૃત્યુ સહાય અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી ત્રણેય ભાઈઓને 1.96 લાખની પશુમૃત્યુ સહાય સત્વરે એનાયત કરવામાં આવી હતી.મૂળ અમદાવાદના વતની અને હાલ સુરત જિલ્લાના ઓલપાડના નિહોળા ફળિયા ખાતે રહેતા 43 વર્ષીય લાભાર્થી કરમણભાઈ ખીમાભાઈ ભરવાડ પોતાના બે ભાઈઓ સાથે વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેઓ જણાવે છે કે, અમે ત્રણેય ભાઈઓ છેલ્લા 40 વર્ષથી ઓલપાડમાં રહી પશુપાલન કરી ગુજરાન ચલાવીએ છીએ. અમારી ભેંસો અમારા માટે જીવાદોરી સમાન હતી. વરસાદી કુદરતી આપદાથી ભેંસોના અપમૃત્યુ મારા પરિવાર પર વજ્રાઘાત થયો હતો. પરંતુ ખૂબ ઓછા સમયમાં અમને પશુ મૃત્યુ સહાય આપીને આર્થિક તંગીનો ભોગ બનતા બચાવનાર સરકારના અમે ઋણી છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, મને બે ભેંસ દીઠ તાત્કાલિક 60000નો ચેક મળવાથી પશુપાલન વ્યવસાયને ફરીથી શરૂ કરવા સરકારે પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે.
પશુમૃત્યું સહાયના અન્ય એક લાભાર્થી ઈશુભાઈ ખીમાભાઈ ભરવાડ જણાવે છે કે, વરસાદી પાણીનું જોર વધતા સેનાખાડીમાં પાણીનું સ્તર વધવા માંડ્યું હતું. ગામતળમાં ચરવા ગયેલી ભેંસો પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામી હતી, જેમાં મારી બે ભેંસો અને એક પાડીનું પણ મૃત્યુ હતું. આ ભેંસો મારા પરિવાર માટે આર્થિક આધાર સમી હતી.
સરકાર દ્વારા પશુમૃત્યુ સહાય થકી 75000 રૂપિયા તેમજ મારા ભાઈ દેવદાસ ભરવાડની પણ બે ભેંસના મૃત્યુ થવાથી 60000 રૂપિયાની સહાય આપી છે. અમારા જેવા માલધારી માટે સરકાર કાળજી લઈ આર્થિક સહાય આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, પૂરના ભારે વહેણના કારણે ઓલપાડની સેનાખાડીમાં કુલ 14 ભેંસો તણાઈ હતી, જેમાંથી 6 ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.