ધરપકડ:સરોલીનું ATM લઇ જવાનો પ્રયાસ કરનારી ટોળકીનો સાગરીત અંકલેશ્વરથી ઝબ્બે

બારડોલી/અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવારે મળસ્કે ઓલપાડના સરોલી ગામે SBI નું આખું ATM ટેમ્પામાં ભરી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, મંદિરના પૂજારીની સજાગતાએ લાખો રૂપિયાની ચોરી થતા અટકી હતી, ચાર દિવસ પહેલા મશીનમાં 20 લાખ રૂપિયા લોડ કરાયા હતા. જોકે તસ્કરોએ બીજા દિવસે અંકલેશ્વર હાઇવે પરથી 4.77 લાખ રૂપિયા ભરેલા ATM ચોરી ગયા હતા, જે ટોળકીનો એક સાગરીતને ભરૂચ એલસીબી પોલીસે પકડી ચોરીની ઘટનાનો ઉકેલ લાવવામાં મોટી સફળતા મળી છે.

હરિયાણાની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. એ.ટી.એમ ચોરી કરવા પહેલા રાત્રી દરમિયાન જોલવા ગામેથી પીકઅપની માસ્ટર કી આધારે ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. ATM ચોરી કરનારમાં પકડાયેલ ચોર, દહેજ રોડ પર આવેલ રાજસ્થાની ઢાબા ખાતે મિકેનિકનું કામ કરતા હરીયાણી સહીત 4 તસ્કરોએ અંજામ આપ્યો હતો. વધુમાં અંકલેશ્વરમાંથી ચોરી કરેલ મશીનને ગેસ કટરથી કાપી, અંદરથી રૂપિયા કાઢી લઈ, બાદમાં ATM નદીમાં ફેંક્યું હોવાનું જણાવેલ છે. પોલીસે હાલ, પકડાયેલ ચોર પાસેથી મોબાઈલ અને રોકડ 21,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજસ્થાની ઢાબા પર એ.ટી.એમ ચોરીનું કાવતરું ઘડાયું
ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ગામ પાસે રાજસ્થાની ઢાબા ખાતે દોઢ વર્ષ ઉપરાંત થી મિકેનિકલ નું કામ કરતો સલીમ મેવાતીને દોઢ મહિના પહેલા ઈર્શાદ તેમજ અન્ય આરોપી મળ્યા હતા. હરીયાણા ગયા બાદ સપ્તાહ પૂર્વે આવ્યા હતા અને એટીએમ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

ચોરી કરવા માટે પિકઅપ ચોરી હતી
એ.ટી.એમ ચોરી માટે પીકઅપ ગાડી ચોરી કરવાનું નક્કી કર્યું હતું. દહેજ રેલ્વે ફાટક પાસેથી માસ્ટર કી બનાવી દહેજના જોલાવા નજીકથી મહિન્દ્રા પીક-અપ ગાડી જી.જે. 16.ઝેડ. 8492ની પ્રથમ ચોરી કરવામાં આવી હતી.

અન્ય કોઈ એ.ટી.એમ ચોરીમાં સંડોવણી છે કે કેમ ચકાસવામાં આવશે
ભરૂચ એલસીબી ની ટીમે એ.ટી.એમ ચોરી માં સંડોવાયેલ સલીમ મેવાતીની ધરપકડ કરી છે. તેની પૂછપરછ માં ઈર્શાદ નામના ઈસમનું નામ બહાર આવ્યું છે અન્ય આરોપી સહીત તેની પણ શોધખોળ ચાલી રહી છે. હાલ દહેજ ખાતે થયેલ પીક અપ ગાડીની ચોરી. અંકલેશ્વર એ.ટી.એમ ચોરી અને ઓલપાડ એ.ટી.એમ ચોરી નો નિષ્ફળ પ્રયાસ મળી 3 ગુના નો ભેદ ઉકેલાયો છે. તેમજ અન્ય કોઈ એ.ટી.એમ ચોરી માં સંડોવણી છે. કે અન્ય વાહન ચોરી જિલ્લા કે રાજ્યમાં અંજામ આપ્યો છે. તેની તપાસ કરાઈ રહી છે. ચિરાગ દેસાઈ, ડી.વાય.એસ.પી, અંકલેશ્વર

ગેંગે અંકલેશ્વરમાં પણ ચોરી કરી હતી
ઓલપાડમાં નિષ્ફળ પ્રયાસ બાદ આ ટોળકી અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે પાસે ગત 15 મી નવેમ્બરના રોજ હિટાચી એટીએમ ચોરી ગયા હતા. જેની તપાસ કરતી ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, આ ગેંગના એક સાગરિત દહેજ રોડ પર રાજસ્થાની ધાબા ખાતે રોકાયો છે. જે આધારે છટકું ગોઠવીતેને ઝડપી પાડ્યો હતો. મૂળ હરિયાણાના ફિરોજપુરના બસી ખાતે રહેતા અને હાલ રાજસ્થાની ઢાબા પાસે મિકેનિકલ નું કામ કરતા સલીમ હનીફ શેરખાન મેવાતીની ધરપકડ કરી હતી. તેમજ ઈર્શાદ તેમજ અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેની પાસેથી રોકડ મોબાઈલ, માસ્ટર કી સહિત મુદ્દામાલ જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...