દિવાળીના તહેવાર દરમિયાન ચીલઝડપ ચોરીની ઘટના ન બને તે માટે બારડોલી પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મુખ્ય રસ્તાઓ પર પોલીસ સ્ટાફ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ દિવાળી બાદ ઘર બંધ કરી વેકેશન માણવા જતાં લોકોએ કઈ તકેદારી રાખવી જે અંગે બારડોલી પોલીસ સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઈ પ્રમુખ અને રહીસો સાથે મિટિંગનો દોર ચાલુ કર્યો છે. જેથી વેકેશન દરમિયાન ચોરી અટકાવી શકાય.
ગત દિવસોમાં બારડોલી નગરના વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટના ઓ ઘણી બની હતી. ત્યારબાદ પોલીસ તંત્ર સતર્ક થઈ જતાં નાઈટ પેટ્રોલિંગ સહિત સુરક્ષા વધારી દીધી છે. હાલ દિવાળીના તહેવાર દરમિયાન મુખ્ય રસ્તા પર ચોરી ચીલ ઝડપ, ઠગાઈ જેવી ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને મુખ્ય પોઈન્ટ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ સાથે દિવાળીના વેકેશનમાં ઘર બંધ કરીને ફરવા જતાં ઘર માલિકોએ કઈ કઈ સાવધાની રાખવી જે અંગે બારડોલી પોલીસના પીએસઆઈ મહેન્દ્ર આહિર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા 10 જેટલી સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવામાં આવી છે.
ઘર બંધ કરીને જતાં ઘર માલિકને સોસાયટીના પ્રમુખ અથવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી બંધ ઘરમાં ચોરીની ઘટનાને અટકાવી શકાય. જોકે, આવનારા દિવસોમાં નગરની વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને રહીશો સાથે મિટિંગનો દોર ચાલુ રહેવાનું જાણવા મળેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.