બારડોલી કડોદ રોડ પર મંગળવારની વહેલી સવારે 6 કલાકના અરસામાં વોકિંગ માટે નીકળેલા આધેડનો મોબાઈલ બાઈક પર આવેલ તસ્કર ઝુંટવીને નાસી ગયો હતો. ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. ધામરોડ ગામની સીમમાં આવેલા સરદાર વિલામાં રહેતા આધેડ નિત્યક્રમ મુજબ સવારે જોગિંગ માટે જાય છે. મંગળવારના રોજ પણ નિત્યક્રમ મુજબ ગયા હતાં. ચાલતા ચાલતાં પણદા ગામની સીમમાં પહોંચ્યા હતાં.
કડોદ જ્યાં પુલિયા પાસે બેસી કસરત કરી રહ્યા હતાં. ત્યારે એક મોટરસાઈકલ દૂર ઊભી રાખી એક ઈસમ આવીને પૂછ્યું હતું કે અરેઠ ક્યાંથી જવાય. ત્યારબાદ તુરંત જ બાજુમાં મુકેલ સેમસંગ કંપનીનો 20 હજારની કિંમતનો મોબાઈલ લઈને ભાગી છૂટ્યો હતો. આધેડે તેનો પીછો રૂવા ભરમપોર સુધી કર્યો હતો. ત્યારબાદ નજરે ન પડતાં તેઓ ઘરે પરત ફર્યા હતાં. બારડોલી કડોદ રોડ પર આવી ઘટના અનેકવાર બની છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પણદા નજીક સવારે તસ્કરોએ મોબાઈલની ચીલઝડપ કરી ગયા હતાં. જે અંગે પીછો કર્યા હોવા છતાં પણ પકડાયો ન હતો. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતાનું જાણવા મળે છે.
ગત શુક્રવારે પણ બનાવ બન્યો હતો
ગત શુક્રવારના રોજ બારડોલી નગરનો યુવાન પંજાબ નેશનલ બેંક પાસે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવેલ એક યુનિકોર્ન મોટરસાઈકલ પર આવેલ ઈસમે યુવકનો મોબાઈલ ઝૂંટવીને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ આ તસ્કર જલારામ મંદિરની બાજુમાં આવેલ ગલીમાંથી ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી.
પણદા, રાયમ પાસે સીસીટીવી મુકવા જરૂરી
આ માર્ગ પર અવાર નવાર ચીલઝડપના બનાવો બની રહ્યાં છે. જેને રોકવા માટે પણદા, રાયમ નજીક સીસીટીવી કેમેરા મુકવામાં આવે એ જરૂરી છે. જો કેમેરા હોય તો તસ્કરો કઈ દિશામાં જાયતે જાણી તે દિશામાં કાર્યવાહી કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.