કોરોના કાળથી બંધ થયેલી બસોને કારણે મઢી સુરાલીના વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અવાર નવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં આખરે વિદ્યાર્થીઓએ મંગળવારે બસ રોકો આંદોલન કર્યું હતું. ત્યારબાદ પોલીસે મધ્યસ્થી કરતાં ડેપોના કર્મચારીએ બસ સમયસર આવવાની બાંહેધરી આપતાં રાહત થઈ છે.
છેલ્લા દોઢ વર્ષથી મઢી અને સુરાલી ખાતે 40 ગામોને જોડતી બસ સુવિધા ખોરંભે ચઢી છે. જેના કારણે નોકરિયાત વર્ગો અને અન્ય લોકોએ હાલાકી ભોગવવી પડે છે. બારડોલી અભ્યાસ કરતા સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને કલાકો સૂધી બસની રાહ જોઈ બેસી રહેવાનો વારો આવે છે, એવા જ એક ઘટના ક્રમમાં માંડવી ડેપોથી મઢી થઇ બારડોલી આવતી સવારે 6:30 કલાકની બસ એસ.ટી તંત્રની બલિહારીને કારણે સદંતર અનિયમિત ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ છેવટે એમણે મઢીના સ્થાનિક આગેવાન સ્નેહલ શાહને સમસ્યા અંગે જાણ કરતાં તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
મંગળવાર3 જાન્યુઆરીએ સવારે મઢી સ્ટેશન ચાર રસ્તા ખાતેથી વિદ્યાર્થીઓ સાથે મળીને ત્યાંથી જતી તમામ બસોના ચક્કાજામ કરી દીધા હતાં. જે અંગેની જાણ પોલીસને થતાં બારડોલી ગ્રામ્યના PSI દર્શન રાવ ઘટના સ્થળે આવી સમસ્યા જાણી હતી. એસટી ડેપો અને વિદ્યાર્થીઓ વચ્ચે મધ્યસ્થી કરી વિદ્યાર્થીને પડતી હાલાકી દૂર કરવા માટે રજૂઆત કરતાં ડેપો દ્વારા બસ સમયસર આવશેની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો. રોકેલી તમામ બસોને કાર્યરત કરવામાં આવી હતી.
આંદોલન સફળ રહેતા ફટાકડા ફોડ્યા
મઢી ખાતે મંગળવારના રોજ બસ રોકો આંદોલન બાદ પોલીસની મધ્યસ્થથી સમસ્યાનું હલ થતાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને પોતાનું આંદોલન સફળ રહ્યા હોવાથી વધાવી લીધુ હતું.
બસ ન મળતા કેટલાકે ગામ પણ છોડ્યું
ઘણા સમયથી બસ રેગ્યુલર ન આવતાં વિદ્યાર્થીઓને ભણતર માટે હાલાકી પડી હતી. જેના કારણે કેટલાક લોકો દીકરાના અભ્યાસ માટે ગામ છોડીને બારડોલી જતા રહ્યા હોવાનું સ્થળ પરથી જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.