રોશની જરૂરી:બારડોલી પાલિકા કચેરી પાસેની સ્ટ્રીટ લાઈટો બંધ, અંધારાને લીધે અસામાજિક તત્વોને મોકળું મેદાન

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી પાલિકાની બાજુમાં છવાયેલો અંધારપટ. - Divya Bhaskar
બારડોલી પાલિકાની બાજુમાં છવાયેલો અંધારપટ.
  • સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા થોડા દિવસ અગાઉ તસ્કરોએ ત્રણ ઘરના તાળાં તોડ્યા હતા

બારડોલી નગરપાલિકાની ઓફિસની બાજુમાં જ રસ્તા પર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછી અવરજવર અને, માર્ગ પર સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને ત્રણથી વધુ ઘરોને નિશાન બનાવ્યા હતા. વધુમાં અસામાજિક તત્વોનું દુષણ વધી રહ્યું છે. નિષ્ક્રિય પાલિકાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બારડોલી નગરનો અભિરામદાસ ત્યાગી માર્ગ પર પાલિકાની ઓફિસ નજીક જ ઘણા સમયથી અંધારપટ જોવા મળી રહ્યો છે. તેમ છતાં રોશની કરવા બાબતે પાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારના રહીશો પણ લાઇટ સહિતનો વેરો પાલિકામાં જમા કરાવે છે. છતાં પાલિકા દ્વારા લાઇટની સેવા યોગ્ય રીતે આપવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહે છે. આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની રહ્યો હોવાનું સ્થાનિકો જણાવે છે.

રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી રહે છે, જેને લીધે ગુનાહિત પ્રવૃતિઓ ધરાવતા લોકો આ વિસ્તારમાં અંધારાનો લાભ લઈ શકે એવી પણ લોકોને શંકા છે. થોડા દિવસ અગાઉ જ રહેણાંક વિસ્તારમાં ત્રણ જેટલા ઘરોને રાત્રિ સમયે અંધારાનો લાભ લઈ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ત્યારે નગરપાલિકા વહેલી તકે આળશ ખંખેરી પાલિકાની બાજુના જ વિસ્તારની સ્ટ્રીટ લાઇટ રાત્રિ સમયે પુનઃ શરૂ કરાવે એવી સ્થાનિકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...