તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:આ ધાંધલી રોકો! સુરત જિલ્લામાં લોકો નોકરીમાં રજા લેવા પોઝિટિવ, તો બહારગામ જવા નેગેટિવ રિપોર્ટ કઢાવી રહ્યા છે

બારડોલી3 મહિનો પહેલાલેખક: પાર્થિવ દેસાઈ
  • કૉપી લિંક
એક જ માણસ, એક જ ટાઇમ...  બે રિપોર્ટ, જેમાં એક પોઝિટિવ તો બીજો નેગેટિવ. - Divya Bhaskar
એક જ માણસ, એક જ ટાઇમ... બે રિપોર્ટ, જેમાં એક પોઝિટિવ તો બીજો નેગેટિવ.
  • આંતરરાજ્ય પ્રવાસ માટે જરૂરી એવા RT-PCR ટેસ્ટ રિપોર્ટને પણ તંત્રની જાણ બહાર કમ્પ્યુટરમાં સ્કેન કરી એડિટિંગ કરાઈ રહ્યું છે
  • વચેટિયાઓ પોતાની વગ વાપરીને ટેસ્ટ રિપોર્ટના કોરા કાગળ લાવીને એના પર માણસોને જરૂરિયાત મુજબના રિપોર્ટ બનાવી આપી રૂપિયા વસૂલે છે
  • વકીલો પણ આ રિપોર્ટને આધારે આગળની તારીખ માગી લે છે
  • સીએચસી અને પીએચસી સેન્ટરો પરથી કોરા ટેસ્ટ રિપોર્ટ લાવી એના પર લખાણ કરી દેવાય છે

સુરત જિલ્લામાં લોકોની જરૂરિયાત મુજબ કોરોના રિપોર્ટ આપવાનો ગોરખધંધો વચેટિયાઓ ચલાવી રહ્યા છે. ખાસ કરીને કોર્ટની તારીખોમાંથી મુક્તિ મેળવવા પણ કોરોના પોઝિટિવ રેપિડ ટેસ્ટ કઢાવતા હોય છે. લોકોની જરૂરિયાત મુજબ પોઝિટિવ રેપિડ ટેસ્ટ કાઢી આપવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ 500થી લઈ 1500 સુધીના રૂપિયા રિપોર્ટના લેવામાં આવે છે. વચેટિયાની જ્યાં વગ હોય તેવા સીએચસી અને પી.એચ.સી સેન્ટરો પરથી કોરા ટેસ્ટ રિપોર્ટ લાવી જરૂરિયાત મુજબ બનાવી આપવામાં આવે છે. આ રિપોર્ટ કોર્ટ કે અન્ય કચેરીઓમાં બતાવ્યા પછી ખરાઈ કરવામાં પણ આવતી ન હોવાનું જાણવા મળ્યું છે. વકીલો આવા રિપોર્ટ આધારે આગળની તારીખ માગી લેતા હોય છે. હાલ કોરોના કાળમાં લોકો અવનવી તરકીબ અપનાવી રૂપિયા લૂંટી રહ્યા છે.

આ રિપોર્ટમાં પોઝિટિવ ટિક.
આ રિપોર્ટમાં પોઝિટિવ ટિક.

વચે​​​​​​ટિયાએ રૂપિયા લઇ ખોટો રિપોર્ટ બનાવી આપ્યો
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું કે કોરોના પોઝિટિવ દર્દીને નોકરીમાં ચાલુ પગારે 10 દિવસની રાજા મળશે, તો નોકરિયાતવર્ગ આવા રિપોર્ટ લેવા માટે પડતાલ કરતા હોય છે. જિલ્લામાં અમુક લોકોએ આવા રિપોર્ટ મેળવી કોર્ટની તારીખો પણ લંબાવી શકે છે. નોકરિયાત વર્ગે રજા પણ મેળવી છે. દિવ્ય ભાસ્કરને આ બાબતની જાણ થતાં પ્રતિનિધિએ 5 દિવસના પ્રયત્ન બાદ એક વચેટિયાએ વાલોડ રેફરલ હોસ્પિટલના નામનો કોરો ટેસ્ટ રિપોર્ટ લાવી એક કોરોના પોઝિટિવ અને એક કોરોના નેગેટિવ રિપોર્ટ રૂ. 1500માં બનાવી આપ્યો હતો અને કહ્યું કે કોઈપણ જગ્યાએ આ રિપોર્ટ બતાવશો તો ચાલી જશે. આંતરરાજ્ય મુસાફરી માટે જરૂરી 72 કલાક અગાઉના RT-PCR કોરોના ટેસ્ટમાં પણ રિપોર્ટ કમ્પ્યુટરમાં સ્કેન કરી એડિટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ રિપોર્ટમાં નેગેટિવ ટિક.
આ રિપોર્ટમાં નેગેટિવ ટિક.

પોઝિટિવ દર્દીના નેગેટિવ રેપિડ ટેસ્ટ કરી શકાય, પણ નેગિટિવને પોઝિટિવ ન કરાય
કોરોના પોઝિટિવ અને નેગેટિવ બંને રિપોર્ટની જરૂર છે. એમ જણાવી ભાસ્કરના પ્રતિનિધિએ બારડોલીની એક લેબમાં સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે પોઝિટિવ હોય તેવા દર્દીને નાકમાં નાખવાની (એનપીએસ) થોડી બહાર જ રાખી નેગેટિવ રિપોર્ટ આપી શકાય, પરંતુ પોઝિટિવ રિપોર્ટ આપવો શક્ય નથી.

કોરોના રેપિડનો પોઝિટિવ ટેસ્ટનો વપરાશ
સુરત જિલ્લામાં કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ RT-PCR ટેસ્ટ કરવામાં આવતો નથી, જેથી આ રિપોર્ટ દ્વારા કોર્ટની તારીખમાંથી છૂટ મેળવી શકાતી હોવાની જાણકારી છે. નોકરિયાતવર્ગ નોકરીમાં આ રિપોર્ટ મૂકે એટલે 10 દિવસ માટે ચાલુ પગારે રજા મેળવી શકે છે. આ રિપોર્ટ બતાવ્યા પછી કોઈપણ જાતની ખરાઈ કરવામાં આવતી નથી અને અધિકારીઓ માન્ય જ રાખે છે.

RT-PCR જૂના ટેસ્ટના રિપોર્ટના આધારે બની જાય છે
સરકારની ગાઈડલાઇન મુજબ, અન્ય રાજ્યની હદમાં પ્રવેશ પૂર્વે 72 કલાક અગાઉનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવાનો હોય છે, જે રિપોર્ટ પણ જૂના રિપોર્ટને આધારે કમ્પ્યુટરમાં સ્કેન કરી સમય અને તારીખમાં એડિટિંગ કરી નવા રિપોર્ટ બનાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યત્વે ટ્રાવેલ્સ સંચાલકોને આવા રિપોર્ટની જરૂર પડતી હોય છે અને રૂપિયા આપો એટલે આવા રિપોર્ટ સહેલાઈથી મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...