બારડોલી શામરીયામોરાની ખાડીમાંથી નાંખેલ પાઇપોના કારણે વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશો અને નગરજનોએ હાલાકી વેઠવી પડી હતી, જેના કારણે એક વર્ષ પહેલાં નાખવામાં આવેલ પાઇપ ખાડીમાંથી ફરી બહાર કાઢવાનું નક્કી થયું હતું, શુક્રવારના રોજ ખાડીમાંથી જેસીબીથી પાઈપ કાઢવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક રહીશોએ રાહત અનુભવી હતી. પાલિકાએ વર્ષ પહેલાં 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે આખર વ્યર્થ ગયો છે.હવે કાઢવાનો ખર્ચ પણ સહન કરવો પડશે.
શામરીયામોરા વિસ્તારમાં ખાડીમાં વર્ષ પહેલાં પાઇપો નાખીને માટી પુરાણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહિ થતા, આખર વરસાદી પાણીનો ભરાવો થતા, સ્થાનિક રહીશો અને નગરજનોને અગવડનો સામનો કરવો પડ્યો હતો, જેથી પાલિકાના શાસકોએ સમસ્યાનું સમાધાનમાં ખાડીમાંથી 1800 એમએમના મોટા પાઇપોને કાઢી ખાડી ખુલ્લી કરવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.
જેથી પાઇપ કાઢવા અંગે વિકાસ કમિશનરમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી પાઇપ કાઢવા 28 લાખ અને ત્યારબાદ ખાડીમાં બોક્સ ડ્રેઇન બનાવવા 90 લાખનું ટેન્ડર બહાર પાડયુ હતું. જે આધારે શુક્રવારે એજન્સીએ સ્થળ પર 2 જેસીબી મૂકીને ખાડી પરની માટી ખસેડી, પાઇપ કાઢવાની શરૂઆત કરી છે.
વરસાદ પહેલા પાઇપો ખાડીમાંથી બહાર કાઢીને ખુલ્લી કરવામાં આવશે, જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતા, પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવી શકે. જેથી પાલિકાના એન્જીનીયર તથા અધિકારીઓની હાજરીમાં પાઇપ કાઢવાનું શરૂ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.