મેગા કેમ્પ:દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન: PM

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદોને લાભ અપાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું કે, અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. કેન્દ્રની અને રાજ્યની એમ ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે.

17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને ઓલપાડના ધારાસભ્ય અને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના વડપણ હેઠળ ઓલપાડ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદોએ નિદાન, દવા અને સારવારનો લાભ મેળવ્યો હતો. જેમાં 300થી વધુ નિષ્ણાત તબીબો, 50 લેબ ટેકનિશિયન, 300 પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી, હાડકા, આંખ-કાન-નાક, હદય, દાંત, એનીમિયા, બ્લડ અને સુગર ચેકઅપ, ચશ્મા અને દવા વિતરણ સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની મળીને 16 જેટલી યોજનાઓનો લાભ પોણા પાંચ લાખ લોકોને પહોંચાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોઈ એક જ સ્થળે હેલ્થ કેમ્પ યોજી હજારો નાગરિકોના આરોગ્યની કાળજી લેવી એ ઈશ્વરીય કાર્ય છે. દેશની પ્રગતિમાં આરોગ્યમય નાગરિકો, સ્વસ્થ સમાજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે જ કેન્દ્ર સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી છે, પરંતુ સુરત હંમેશા રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે એમ જણાવી સુરતના નાગરિકો અને જાગૃત્ત જનપ્રતિનિધિઓને શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાનએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો હોવાનો સહર્ષ ઉલ્લેખ કરી આઝાદીના અમૃત્ત કાળમાં અમૃત્ત સંકલ્પો પૂર્ણ કરવામાં આ સિદ્ધી નવી ઉર્જા આપશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગો, વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ ગુજરાતના દરેક ખુણામાં પહોંચી છે, રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

પહેલા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેશિયો 37 ટકા જેટલો હતો. જે આજે ઘટીને માત્ર 3 ટકા જેટલો જ રહ્યો છે. શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપન માટે નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે. બે દાયકા અગાઉ 26 ટકા ગામોમાં પીવાનું પાણી મળતું જે આજે 97 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. અગાઉ વર્ષે 1375 તબીબોની સંખ્યા સામે આજે દર વર્ષે 5500 તબીબો બહાર પડે છે, જે રાજ્ય અને દેશની આરોગ્ય ગરિમા જાળવવામાં યોગદાન આપી રહ્યા છે.

રાજ્ય સરકારે ગુજરાતના ઈતિહાસમાં ચાલું નાણાકીય વર્ષનું બજેટ સૌથી મોટા કદનું આપ્યું છે. કેન્દ્ર સરકારના ગુજરાત પર ચાર હાથ છે, ત્યારે વડાપ્રધાનના નેતૃત્વના કારણે ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...