સુરત જિલ્લાની 6 બેઠક પર ત્રિપાંખીયો જંગ:કોઈ પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે તો કોઈ પ્રથમ વખત મેદાને

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ વખતે સુરત અને તાપી જિલ્લાની તમામ આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપના ઉમેદવારો પણ રેસમાં
  • હાલ 12 ઉમેદવારીપત્રો​​​​​​​ ભરાયા, બાકીના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરી પ્રચાર શરૂ કરશે

સુરત જિલ્લાની બારડોલી, મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ અને માંગરોળ વિધાનસભાની બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે 6 બેઠક પર ખાસ કરીને સીધો 18 ઉમેદવારો વચ્ચે ત્રીપાંખીયો જંગ રહેશે. શુક્રવારે 12 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરાયાં છે.

બાકીના ઉમેદવારો સોમવારે ઉમેદવારીપત્ર ભરીને પ્રચાર પ્રસાર શરૂ કરશે. જિલ્લાની 6 બેઠકમાંથી કોઈ બેઠક પર પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, તો કોઈ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. દરેક પક્ષના ઉમેદવારોની પોતાના વિસ્તારમાં સક્રિય છે. ત્રણે પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે અત્યારથી જ પોતપોતાની તાકાત કામે લગાડતા હાલ જિલ્લામાં ચૂંટણીનો માહોલ છવાયો છે.

બારડોલી: ભાજપે ફરીથી વિજેતા પર ભરોસો મુક્યો, કોંગ્રેસે નવો ચહેરો ઉતાર્યો

ભાજપ : ઇશ્વર પરમાર : બારડોલી વિધાનસભા બેઠક માટે ભાજપે ત્રીજી ટર્મ માટે ઈશ્વરભાઈ પરમાર પર વિશ્વાસ મૂકયો છે. તેઓ સહકારી ક્ષેત્ર, ખેડૂતો તેમજ સવર્ણ વર્ગમાં પ્રભુત્વ ધરાવે છે. સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ રહેતા હોય, જનસંપર્ક પણ સારો ધરાવે છે.
કોંગ્રેસ : પન્ના પટેલ : કોંગ્રેસના મહિલા ઉમેદવાર પન્નાબેન અનિલભાઈ પટેલ નવો ચહેરો છે. તેઓ બારડોલી વિસ્તારમાં મહિલા સંગઠનમાં સારું પ્રભુત્વ ધરાવે છે. તેમના પતિ માજી ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને હળપતિ સમાજના હોય, આ બેઠક પર હળપતિ સમાજના મત પણ વધુ છે, સાથે લघघમતી સમાજનો પણ સહકાર છે.
આપ : રાજેન્દ્ર સોલંકી : આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ સોલંકી સારી છબી ધરાવે છે. દરેક સમાજ સાથે સારો ઘરોબો ધરાવે છે. અગાઉ ભાજપમાંથી પદાધિકારી તરીકે હોદ્દા પર રહી ચૂક્યા છે.

માંડવી : અલગ અલગ સમાજના ઉમેદવારો ઉતારી મતદારોને આર્કષવાનો પ્રસાસ

ભાજપ : કુંવરજી હળપતિ : માંડવી બેઠકના ભાજપના ઉમદેવાર કુંવરજીભાઈ હળપતિ ઘણા વર્ષ સુધી કોંગ્રેસમાં આક્રમક અને લોકપ્રિય નેતા તરીકે ચૂંટાતા રહ્યાં છે. ત્યારબાદ બળવો કરી ભાજપમાં જોડાયા, શિક્ષક અને આચાર્ય રહી ચુક્યા હોવાની શૈક્ષણિક સંસ્થા સાથે સંપર્ક. દરેક સમાજ સાથે પણ સારો જનસંપર્ક પણ સારો ધરાવે છે.
કોંગ્રેસ :આનંદ ચૌધરી : કોંગ્રેસ ઉમદેવાર આનંદભાઈ ચૌધરી, ચૌધરી સમાજના એકમાત્ર ઉમેદવાર હોય, અને આ બેઠક પર ચૌધરી મતદારોની સંખ્યા વધુ છે. જાતિ સમીકરણ હકારાત્મક રહેશે. સાથે સામાજિક તથા અન્ય સમાજ સાથેનો નાતો સારો છે.
આપ : સાયના ગામીત : આપના ઉમેદવાર સાયનાબહેન સમાજ સેવા તથા રાજકીય સેવા દ્વારા પોતાના વિસ્તારમાં પ્રભાવ બનાવ્યો છે. નાનાજી દેશમુખ ગૌરવ ગ્રામસભાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યો છે.

કામરેજ : અહી ભાજપે નો રિપિટની થીયરી અપનાવી, આપના ઉમેદવાર રિપિટ

​​​​​​​ભાજપ : પ્રફૂલ પાનસુરિયા : ભાજપના ઉમેદવાર પફુલ્લભાઇ પાનસુરિયા કામરેજનાં માજી ધારાસભ્ય રહી ચુક્યા છે, પોતાનાં મિલનસાર સ્વભાવ તથા કામગીરીથી વિધાનસભા વિસ્તારમાં લોકપ્રિય છે. ગત પાંચ વર્ષમાં ધારાસભ્ય ન હોવા છતાં કોરોના પુર જેવી કુદરતી આફતોમાં સતત લોકો વચ્ચે રહી સામાજીક સેવા કરતા રહ્યા છે.
કોંગ્રેસ :નિલેશ કુંભાણી : કોંગ્રેસનાં નીલેશભાઇ મનસુખભાઇ કુંભાણી સુરત મનપાના ભુતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે.વ્યવસાયે બિલ્ડર તથા સામાજીક કાર્યકર 108 સેવા તરીકે પ્રખ્યાત છે. કામરેજ વિસ્તારમાં ઇંદીરા ગાંધી મોબાઇલ દવાખાનું સ્વખર્ચે ચલાવે છે.
આપ : રામ ધડુક : આમ આદમી પાર્ટીનાં રામભાઇ ભીખાભાઇ ધડુક વ્યવસાયે સિવિલ એન્જીનિયર તથા રીયલ એસ્ટેટનાં ધંધા સાથે જોડાયેલા છે. ગત ટર્મમાં પણ આપના એકમાત્ર ઉમેદવાર હતા.

ઓલપાડ : ભાજપ અને આપે પાટિદાર ઉમેદવારને ટિકિટ આપી, કોંગ્રેસે દર્શન નાયકને

​​​​​ભાજપ : મુકેશ પટેલ:ત્રણ ટર્મથી રિપિર્ટ થયા છે. ગત ટર્મમાં મંત્રી હતા. વિધાનસભા પર 60 હજારથી વધુ કોળી પટેલ મતદાર છે. સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે. તાલુકાના ગ્રામ્યકક્ષાએ સારો જનસંપર્ક ધરાવે છે.
કોંગ્રેસ : દર્શન નાયક : કોંગ્રેસના ઉમેદવાર દર્શન અમૃત નાયક અનાવિલ સમાજમાંથી આવે છે. સ્થાનિક ઉમેદવાર છે. ખેડૂત સમાજના સક્રીય સભ્ય, ખેડૂતોના જુદાજુદા પ્રશ્નોની લડત ચલાવે છે. સાયણ સુગર ફેક્ટરીના 10 વર્ષથી ડિરેક્ટર, જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા. હાલ કોંગ્રેસની રાજ્યકક્ષાની કમિટીના હોદ્દા પણ ધરાવે છે.
આપ : ધાર્મિક માલવિયા : પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર, પાટીદાર સમાજના ઉમેદવાર છે. પાટીદારના આંદોલ સમયે મહત્વની ભૂમિકા ભજવી હતી. શહેરી વિસ્તારમાં સૌરાષ્ટ્ર તરફી પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ છે.​​​​​

માંગરોળ : ભાજપ તરફથી અનુભવી ઉમેદવાર જ્યારે કોંગ્રેસ તરફે નિવૃત ડે. કમિશ્નર

ભાજપ : ગણપત વસાવા :માંગરોળ બેઠકના ભાજપના ઉમેદવાર ગણપતભાઈ વસાવા સતત 5 ટર્મ ચૂંટણી લડવાનો બહોળો અનુભવ છે. સહારા માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ વાડીના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ આદિવાસી સમાજમાં કરતા આવ્યા છે. લોક સંપર્ક માટે જાણીતા છે.
કોંગ્રેસ : અનિલ ચૌધરી : કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અનિલભાઈ ચૌધરીને સેલ ટેક્સ વિભાગના નિવૃત્ત ડેપ્યુટી કમિશનર છે. છેલ્લા દોઢ બે વર્ષથી તેઓ નિવૃત થતા કોંગ્રેસ પક્ષમાં જોડાઈને લોકસેવાના કાર્યો કરી રહ્યા છે.
આપ : સ્નેહલ વસાવા : આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્નેહલભાઈ વસાવા ઉમરપાડા તાલુકાના હલધરી ગામના અને આદિવાસી યુવા સંગઠનના માધ્યમથી આદિવાસી સમાજના પ્રશ્નોને ઉજાગર કરતા આવ્યા છે. ગામડાઓમાં જનસંપર્ક ધરાવે છે.

મહુવા : ભાજપે સિંટિંગ ધારાસભ્યને રિપિટ કર્યા કોંગ્રેસ તરફથી મહિલા વકીલ મેદાનમાં

​​​​​​​ભાજપ : મોહન ઢોળિયા :મહુવા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ ઢોડિયા ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જનસંપર્ક માટે જાણીતા છે. ઉપરાંત સહકારી સંસ્થાઓ સાથે સારો ઘરોબો ધરાવે છે. સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે.
કોંગ્રેસ : હેમાંગીની ગરાસિયા : કોંગ્રેસના ઉમેદવાર હેમાંગીનીબેન ગરાસીયા શિક્ષિત ઉમેદવારની સાથે સાથે હાઈકોર્ટના વકિલ પણ છે. તેઓ ધારાસભ્ય તરીકે બીજી વાર ઉમેદવારી પત્ર ભર્યુ છે. વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે છબી પણ ધરાવે છે.
આપ : કુંજન પટેલ : આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુંજન પટેલ યુવાન હોવાની સાથે સાથે શિક્ષિત પણ છે. અને આદિવાસીઓના હક માટે તેઓને હંમેશા લડતા જોવામાં આવ્યા છે. લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે.

તાપી જિલ્લાની 2 બેઠક; વ્યારા: કોંગ્રેસ ગત ચૂંટણીના વિજેતા ઉમેદવારને ફરી ઉર્તાયા, ભાજપે નવા ચહેરાને ટિકિટ આપી

​​​​​​​ભાજપ : મોહન કોંકણી :ભાજપમાંથી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મોહન ભાઈ કોંકણી મેદાનમાં છે. તાલુકા બીજેપી સંગઠન પર સારી પકડ છે. અને તેઓ નાના કાર્યકર્તાઓ સાથે પણ સીધો સંપર્ક ધરાવે છે. વ્યારા નગરમાં પણ સારૂ નામ ધરાવે છે.
કોંગ્રેસ : પુનાજી ગામીત : વ્યારા બેઠક પર કોંગ્રેસ બેઠક પર પુનાજી ભાઈ ગામીતને રિપીટ કર્યા છે. તેઓ કોંગ્રેસ પક્ષને વફાદાર રહ્યા છે.તેમજ માજી કેન્દ્રીયમંત્રી સાથે પણ સારું ટયુનિંગ છે. સમાજમાં પણ સારું પ્રભુત્વ ધરાવે છે. વ્યારા બેઠક પર ગામીત સમાજના અંદાજિત 75,000 જેટલા મતદાતા છે.
આપ : બિપિન ચૌધરી : આપ પાર્ટીએ તાપી બીજેપીના માજી અધ્યક્ષ બિપિન ભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે, અને સ્વચ્છ છબી તેમની મૂડી છે. તેમણે ભૂતકાળમાં બીજેપી સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકી પક્ષ છોડ્યો હતો.

નિઝર: ગામીત સમાજનું પ્રભૂત્વ ધરાવતી બેઠક પર ત્રણેય પક્ષે ગામીત ઉમેદવારને ટિકિટ ફાળવી

​​​​​​​ભાજપ : જયરામ ગામીત : ભાજપના ઉમેદવાર જયરામભાઈ ગામીત છેલ્લી બે ટર્મથી જિલ્લા ભાજપ પ્રમુખ છે. વળી એમની આગેવાનીમાં પ્રથમ વખત તાપી જિલ્લા પંચાયત કબ્જે કરવામાં બીજેપી સફળ થઈ છે. તાલુકામાં જનસંપર્ક સારો ધરાવે છે.
કોંગ્રેસ : સુનિલ ગામીત : વ્યારા નિઝર બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ જુના જોગી અને ધારાસભ્ય સુનિલભાઈ ગામીતને રિપીટ કર્યા છે. જિલ્લાનું મજબૂત કોંગી સંઘટન અને કાર્યકર્તાઓ સાથેનો સીધો સંપર્ક છે.
આપ : અરવિંદ ગામીત : આપ મૂળ કોંગ્રેસી અને સહકારી આગેવાન અરવિંદભાઈ ગામિતે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ સુમુલના ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. જિલ્લાની તમામ દૂધ મંડળીના પદાધિકારીઓ સાથે સીધો સંપર્ક છે.

​​​​​​​

​​​​​​

અન્ય સમાચારો પણ છે...