સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સામુહિક ઉપક્રમે બારડોલીમાં વિશાળ શૌર્ય યાત્રા પથ સંચલન તથા જાહેર સભા યોજાઈ હતી. સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓના આશરે એક હજાર જેટલી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા બારડોલીના મુદીત પેલેસથી શરૂ કરી શાસ્ત્રી રોડ થઈ સ્ટેશન ચાર રસ્તા અને રાજમાર્ગ ઉપર ભગવા ધ્વજો સાથે હિન્દુ સંસ્કૃતિના વિવિધ નારાઓ સાથે શૌર્ય યાત્રા નીકળી હતી.
પથ સંચલન જાગૃતિ ફેરી બારડોલીના ટાઉનહોલ નજીક આવેલ બાપા સીતારામ મંદિર મુકામે પહોંચી હતી. જ્યાં રેલી જાહેર સભામાં ફેરવાઈ જતાં આયોજિત પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંત અંકલેશ્વરપુરી બાપુ (જુના અખાડા) દ્વારા સંબોધન કરતા સનાતન ધર્મ, સંસ્કૃતિ અને ગૌ માતાની રક્ષાએ પ્રત્યેક હિંદુની ફરજ દર્શાવી હતી. આ બાબતે બજરંગ દળ સક્રિય હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સંગઠનમાં વધુને વધુ યુવાનો જોડાઈ અને ધર્મ રક્ષા માટે કાર્યરત રહે તેવી આશા વ્યક્ત કરતા તેમણે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે કેટલાક નેતાઓ મત બેંક ના રાજકારણમાં હિન્દુઓનો અહીત કરી રહ્યા છે તે સમજવું જરૂરી દર્શાવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી જીતુભાઈ ગોસ્વામીએ ઉપસ્થિતોને અયોધ્યામાં બાબરી ધ્વંશની વાતો કરી બારડોલીના બાબેન ગામે થયેલી નિંદનીય ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય જણાવી રાષ્ટ્રહીતના કાર્યોની વાતો કરી હતી. હિન્દુ પરિષદના અગ્રણી પ્રિતેશ પ્રજાપતિ, ગૌરક્ષા સેવા સમિતિના દામજી પટેલ, જયેશ દવે તથા વિપુલ પારેખ અને અન્ય સંયોગીઓના અથાગ પ્રયાસ સાથે કાર્યક્રમ સરાહનીય રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.