આળસુ તંત્ર:સરભોણની 400 વર્ષ જૂની વાવ, જેના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય છે છતાં જાળવણીમાં તંત્રની આળસ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાળવણીનો અભાવ હોવાથી ગામના યુવાનો વારસાને જાળવવા આગળ આવ્યા, વર્ષમાં એક વખત સફાઈ કરે છે
  • આજે પણ લોકો પાણી ભરીને ઘરે લઈ જાય છે

સરભોણ ગામની અંદાજિત 400 વર્ષ પુરાણી જેતે સમયે વણઝારા લોકોએ બનાવેલ સિંધવાઈ માતાના મંદિરની બાજુમાં ગંધરેકિયા વાવ, જેના પાણીથી સ્નાન કરતા જ ચામડીના રોગ પણ દૂર થઈ જતાં હોવાની આજે પણ માન્યતા છે અને લોકો હજુ પણ સ્નાન કરવા આવે છે અને પાણી વાસણમાં ભરીને લઈ જાય છે. બાજુમાં બીજી મોટી વાવ છે.

જેનું પાણીનો આજે પણ લોકો ઉપયોગ કરે છે. આ બંને વાવને પુરાતન વિભાગે બિનવારસી હાલતમાં તરછોડી છે, જેના કારણે જર્જરિત બનવા સાથે ભવિષ્યમાં અસ્થિત્વ ગુમાવી શકે તેવી સ્થિતિમાં છે. જોકે, હાલ ગામના યુવાનો ભેગા થઈ વર્ષમાં એક વખત ગામના અમૂલ્ય વારસાને જાળવી રાખવા સાફ સફાઈ કરી રહ્યા છે. પુરાતન વિભાગ પણ રસ લઈને રીનોવેશન સાથે સુવિધામાં વધારો કરે તો, લોકોની આસ્થા જળવાઈ રહે અને વર્ષો જૂની વિરાસતરૂપી વાવ થકી ગામની ઓળખ બની રહેશે.

વધુમાં નવી પેઢી પણ ગામની વિરાસત બાબતે પરિચિત રહી શકે. હાલ ગામમાં નવી પેઢી વારસાથી અજાણ છે. આવા સંજોગોમાં વર્ષો જૂની ધરોહર બાબતે દર પેઢી પરિચિત રહે, માટે પુરાતન વિભાગના જવાબદાર અધિકારીઓ આગળ આવે. સ્થાનિક નેતાઓ પણ ચૂંટણીમાં મત લેવા માટે આંગણા ખૂંધતા હોય, ત્યારે ગામની વિરાસત ગણાતી વાવ બાબતે પણ ધ્યાન દોરવાની જરૂર છે.

વાવના પાણીથી ચાંદા, શીતળા, રક્તપિત જેવા રોગના દર્દીઓ સ્નાન કરતા રોગ દૂર થતાં

ગંધરેકિયા વાવ કૂવા સાથે અંદાજિત 80 ફૂટ ઉંડી છે. આ વાવમાં પહેલા ચામડીના રોગ જેવા કે ચાંદા, શીતળા, રક્તપિત જેવા રોગના દર્દીઓ વાવના પાણીથી સ્નાન કરતા, અને રોગ દૂર થતાં હોવાનું ગામના લોકો આજે પણ જણાવે છે. ચિકન ફોકસ થયેલ દર્દીઓ માટે આજે પણ વાવનું પાણી કોઈ પાત્રમાં ભરીને લઈ જવામાં આવતું હોવાનું જણાવે છે. પહેલા વાવ પર જ મોટી સંખ્યામાં લોકો આવી પાણી લઈને સ્નાન કરતા હોવા અંગે પણ જણાવ્યું હતું.

પાણી લેબમાં ટેસ્ટ કરતા ગંધરક હોવાનું જણાયું
વિજય પંચાલના જણાવ્યા મુજબ ગંધરેકિયા વાવનું પાણીમાં ગંધરક હોવાનું સ્થાનિક પીએચસીએ વર્ષો પહેલા પાણીનું સેમ્પલ લઇ લેબમાં ટેસ્ટ કરતા જણાયું હતું. જે ચામડીના રોગ માટે અકસીર પાણી મનાય છે.

સુવિધા થાય તો ધરોહર લોકોમાં જાણીતી થાય
પુરાતન વિભાગે નાહવા માટે સ્નાનાગારની સુવિધા કરવાની જરૂર હોવાનું ગ્રામજનો જણાવે છે. એકબાજુ માતાજીનું મંદિર છે, બીજી બાજુ ખુલ્લી હોય, સુવિધામાં વધારો કરે તો ગામની ધરોહર જાણીતી થઈ શકે.

દાઝી ગયો ત્યારે વાવનું પાણી લગાવતો
મારું લુહારી કામ છે. લોખંડનું કામ કરતી વખત ઘણી વખત હું પગમાં દાઝી જતો હતો. ત્યારે વાવના પાણી લગાવતા જ મને સારું થઈ જતું હતું. જેનો મારો પણ અનુભવ છે. > વિજયભાઈ પંચાલ, સરભોણ ગામના આગેવાન, સરભોણ ગામ

ચિકનપોક્સ વખતેે લોકો નહાવા આવે છે
સરભોણ વિસ્તારના આજુબાજુના ગામના લોકોને જ્યારે ચિકન પોક્સનો રોગ થાય ત્યારે, ગંધરેકિયા વાવ પર નાહવા માટે હજુ પણ આવે છે. પુરાતન વિભાગ વાવની જાળવણી સાથે રિનોવેશન કરી સુવિધામાં વધારો કરવાની જરૂર છે. ગામની કિંમતી ધરોહરના ઈતિહાસ પેઢી દર પેઢી પરિચિત રહે, એવા આયોજન સાથે વિકસાવવાની જરૂર છે. > શાંતિલાલ પટેલ, આગેવાન, સરભોણ

અન્ય સમાચારો પણ છે...