રાજ્ય ભરની આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાના કાર્ડની ઓચિંતી અછત સર્જાતા લાયસન્સ આપવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે બારડોલી આરટીઓ કચેરીએ પણ એપ્રિલ માસથી લાયસન્સ બનાવવા માટેના કાર્ડ ન હોવાથી હાલ 6000 અરજદારો ડ્રાઇવિંગ લાયસન્સથી વંચિત રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો લાયસન્સ સમયસર ન મળતા અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઇ અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ બારડોલી આરટીઓ કચેરી અગાઉના સમયમાં દરરોજ 235થી 250 જેટલા ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર સહિતના ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરતી હતી, જે હાલ લાયસન્સ બનાવવાના કાર્ડના અભાવે ઠપ થયા છે અને 1 માસ જેટલા સમયમાં જ બારડોલી આરટીઓ કચેરીના 6000 જેટલા અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ મળી શક્યા નથી. આરટીઓ કચેરી પર રોજના 300 જેટલા અરજદારો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરે છે અને કચેરી દ્વારા અપાયેલા સમય મુજબ ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવે છે. બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી લાયસન્સ મેળવવામાં હવે અરજદારોને હાલાકી થઈ રહી છે.
ખાસ કરી યુવા વર્ગના અરજદારો વાહન ચલાવવાનું શીખી લાયસન્સ માટે અરજી કરી હોય અને આરટીઓની ટેસ્ટ પાસ કરવા છતાં સમય સર લાયસન્સ ન મળવાથી ઘણી વાર પોલીસ દ્વારા થતાં વાહન ચેકિંગમાં લાયસન્સ ન હોવાથી દંડ પણ ભરવાની નોબત આવી છે. ત્યારે વહીવટી તંત્ર વહેલી તકે વાહન ચાલકોને લાયસન્સ ન મળવાથી થતી હાલાકી દૂર કરે અને સમયસર ડ્રાઇવિંગ લાયસન્સ મળી રહે એવી લોકમાગ ઉઠી છે.
કાર્ડની અછત બાબતે ઉપલી કચેરીએ રજૂઆત કરી છે
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના કાર્ડની અછત બાબતે ઉપલી કચેરીએ રજૂઆતો થઈ છે. હાલ સોફ્ટ કોપી એમ પરિવહન એપ તેમજ ડીજીટલ લોકરમાં રાખેલ લાયસન્સ ટ્રાફિક પોલીસને બતાવવાથી, વેલીડ જ ગણવામાં આવે છે. ટૂક સમયમાં આ સમસ્યાનો અંત આવશે. - મિતેશ બંગાલે, આરટીઓ અધિકારી બારડોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.