ઝંડાઓ અને તોરણો લગાવવા મુદ્દે વિવાદ:સુરતના માંડવીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શો પહેલા હંગામો, સુપડી નાકા નજીક ભાજપ અને આપ આમને સામને

બારડોલી17 દિવસ પહેલા

સુરત જિલ્લાના માંડવી ખાતે 'આપ'ના પંજાબના મુખ્યમંત્રીના રોડ-શો પહેલા ભાજપ અને 'આપ'નાં કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. માંડવીના મુખ્ય બજાર તેમજ સુપડી વિસ્તારમાં 'આપ'ના બેનરો અને પાર્ટીના ઝંડા લગાવવા બાબતે બોલાચાલી થતાં પોલીસતંત્ર અને વહીવટીતંત્રએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

વિવિધ વિસ્તારોમાં 'આપ'ના બેનરો
હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને થોડા જ દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને વિવિધ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર માટે ઉતારવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજ રોજ બુધવારે સુરત જિલ્લાના માંડવી ખાતે 'આપ'ના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ-શો યોજવામાં આવ્યો છે. જે રોડ-શો પહેલા 'આપ'ના કાર્યકરો દ્વારા માંડવી નગરના વિવિધ વિસ્તારોમાં 'આપ'ના બેનરો તેમજ ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા.

'આપ'ના ઝંડા લગાવવા મામલે વિવાદ
આ દરમિયાન માંડવીના મુખ્ય માર્કેટમાં આવેલ જૈન દેરાસર અને સુપડીનાકા નજીક 'આપ'ના ઝંડાઓ લગાવવા મામલે વિવાદ સર્જાયો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ 'આપ'ના કાર્યકરો સામસામે થઈ ગયા હતા. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારી ઇમારતો તેમજ મિલકતો પર કોઈપણ પક્ષના પ્રચાર-પ્રસારના બેનરો કે પછી તોરણો લગાવવા ન જોઈએ જે મામલે ભાજપ દ્વારા વહીવટીતંત્રને પણ જાણ કરવામાં આવી હતી. આખરે બોલચાલ ઉગ્ર બનતા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...