હાલાકી:15 દિવસથી પૂરતું પાણી ન મળતાં બારડોલી કોળીવાડમાં રહીશો મુશ્કેલીમાં મુકાયા

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તાર ઊંચો હોવાથી સમસ્યા હોવાનું કારણ

નગરજનોની સુવિધામાં અગ્રેસર કહેવાતી બારડોલી નગર પાલિકા છેલ્લા ઘણા સમયથી કોળીવાડમાં પૂરતા દબાણથી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. ઓછા દબાણથી પાણી આવતું હોવાથી, ઉનાળામાં રહીશોને પાણીની તકલીફ થઈ રહી છે. રહીશોએ લેખિતમાં રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તકલીફ સહન કરીને થાકેલ રહીસોની સહન શક્તિ ખૂટી છે, પાણીની પૂરતી સુવિધા કરવામાં નહિ આવે તો, પાલિકામાં માટલા ફોડવા સુધી તૈયારી કરી હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી નગરપાલિકાના વોર્ડ નં.5માં આવેલ કોળીવાડમાં છેલ્લા પંદર દિવસથી 33 ઘરોમાં પૂરતા દબાણથી પાણી આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. ઉનાળાની સિઝન હોય, પાણીની જરૂરિયાત સમયે જ ખેંચ પડતા, રહીશોએ લેખિત ફરિયાદ પણ કરી છે. છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. પાલિકામાં ફરિયાદ કરતાં તમારો વિસ્તાર ઊંચાઈ પર હોવાથી સમસ્યા થઈ રહી હોવાનો જવાબ આપતા હોવાનું રહીશો જણાવે છે. પાણીની તકલીફ ભોગવી થાકેલા રહીશો ને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી સુવિધા કરવામાં નહિ આવે તો, ભેગા મળીને પાલિકામાં પહોંચી દેખાવ કરવાની પણ તૈયારી કરી હોવાનું જણાવે છે.

બારડોલી નગરપાલિકાના માજી નગરસેવક નરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ઘણા સમયથી પાણીની સમસ્યા છે. ફરી ઓછા દબાણથી પાણી આવતા સ્થાનિક રહીશોએ સહી કરીને સીઓને લેખિતમાં રજુઆત કરી છે. છતાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી કોઈ નગરપાલિકા તરફથી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...