આંદોલનની ચીમકી:બારડોલીના લારી ગલ્લા ધારકોને જગ્યા ફાળવવા કોંગ્રેસની પાલિકામાં રજૂઆત

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 100થી વધુ લારી માલિકોને દબાણ દૂર કરવા ચીમકી આપી હતી

મંગળવારે બારડોલી નગરના મુખ્ય માર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂપ લારી ગલ્લા હટાવવા માટે પાલિકા ટીમ રોડ પર ઉતરી હતી. આ બાબતે નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી આવા ગરીબ લારી ગલ્લા ધારકોને યોગ્ય જગ્યા ફાળવવાની માગ કરવામાં આવી હતી.

બારડોલી શહેરના રાજમાર્ગ પર અને અસ્તાન તેન રોડ, ગાંધી રોડ અને શાકભાજી માર્કેટમાં ટ્રાફિકને અડચણ રૂપ બનતી 100 કરતાં વધુ લારીના માલિકોને પાલિકા દ્વારા બે દિવસમાં દબાણ દૂર કરવાની ચીમકી આપવામાં આવી હતી. અન્યથા તેમની લારી પાલિકા ઉંચકી જશે એવું પણ જણાવવામાં આવ્યું હતું. હવે આ બાબતે લારી ગલ્લા ધારકોને પડખે નગર કોંગ્રેસ સમિતિ આવી છે અને નગર કોંગ્રેસ પ્રમુખ કિરણભાઈ રાઠોડ તથા આગેવાનો એ પાલિકા ચીફ ઓફિસર ને લેખિત પત્ર પાઠવી લારી ગલ્લા ધારકો ને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.

પત્રમાં જણાવ્યાં પ્રમાણે કોરોના કાળ જેવી મહામારીમાં કેટલાય કુટુંબ એ રોજગારી ગુમાવી છે. જો કે કેટલાક પાલિકા શાસકોએ પોતાના બિલ્ડીંગમાં યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા કરી ન હોવાથી વધારે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. આ બાબતને શાસકો એ નજર અંદાજ કરી ગરીબ વર્ગના લારી ધારકો પર જોહુકમી દાખવી લારી ગલ્લા હટાવો ઝુંબેશ શરૂ કરી છે.

નગર કોંગ્રેસ સમિતિ તેમને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી પણ પત્રમાં આપવામાં આવી હતી. આવા લારી ગલ્લા ધારકો ને નગરમાં યોગ્ય સ્થળે જગ્યા ફાળવી આપી તેમની રોજી રોટી પણ ચાલુ રહે એ બાબત ધ્યાન પર રાખવાની હાલમાં જરૂરિયાત હોવાનું પત્ર ના અંતે જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...