બાબેન ગામે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી રશ્મિની હત્યા ઘરકંકાસમાં પ્રેમી ચિરાગ પટેલે કરી હતી.લાશને કારમાં નાખી વાલોડ જઈ તાડપત્રીમાં લપેટીને ખેતરમાં દફનાવી હોવાની કબૂલાત ચિરાગે પોલીસ સમક્ષ કરી છે. હત્યારા ચિરાગનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે. સોમવારે સવારે રશ્મિની લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત લઈ જવાઇ હતી. તેમજ નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
હત્યાની આગળની તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી છે. બાબેન ગામે લક્ઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ પટેલે છેલ્લાં 4 વર્ષથી પોતાની સાથે લિવ ઇનમાં રહેતી રશ્મિ કટારીયાનું 14મી નવેમ્બરે મળસ્કે ગળુ દબાવી હત્યા કરી હતી. ચિરાગ પટેલે લાશને કારમાં મૂકી વાલોડ ગયો હતો. જ્યાંથી તાડપત્રી ખરીદી તેમાં લાશ પેક કરીને વલોડના પડતર ખેતરમાં દફનાવી દીધી હતી. પોલીસે રવિવારે રાત્રે ખેતરમાંથી રશ્મિની લાશ કાઢી હતી.
સોમવારે ફોરેન્સિક પીએમ કરાવવા સુરત મોડી સાંજે પીએમ પૂર્ણ થતાં અંતિમક્રિયાની તજવીજ હાથ ધરાઈ હતી. બીજી તરફ હત્યા પ્રકરણમાં તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી હતી. પોલીસે ખેતરમાં માટી પુરાણ કરતા જેસીબીના ડ્રાઇવર સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા.
પોલીસને આ વાતચીતથી શંકા ગઇ
રશ્મિ ગુમ થયાં બાદ ચિરાગ પટેલ અને યુવતીના પિતાએ જાણવાજોગ ફરિયાદ આપી હતી. પોલીસ પૂછપરછમાં ચિરાગ પટેલ અને યુવતીના પિતાએ અગાઉ પણ રશ્મિ ઘર છોડી ગયા બાદ ફરી આવ્યાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારે રશ્મિ દીકરો અને મોબાઈલ સાથે લઈ ગઈ હતી. આ વખતે દીકરાને અને મોબાઈલ સાથે નહીં લઈ જવાનું જણાવતા શંકા થઇ હતી. બંને વચ્ચે કંકાસની વાત સામે આવતા ચિરાગે પૂછપરછમાં પોતે હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.