વિદ્યાર્થીના માતાના આક્ષેપ:વાલોડના નનસાડ ખાતે વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાની રાવ

માયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીંયા ભણવું હોય તો આ જ કામ કરવું પડશે નહીં તો દાખલો કઢાવી જાઓ વિદ્યાર્થીના માતાના આક્ષેપ

વાલોડ તાલુકાના નનસાડ ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો વાલોડ ગામના ડોડીયા ફળિયા ખાતે રહેતા ચિરાગ સુરેશભાઈ, ઉંમર વર્ષ 10 અભ્યાસ કરે છે, ડોડીયા ફળિયાથી શાળાએ જવા વિદ્યાર્થી સરકારની સહાયથી ચાલતી વાનમાં અપડાઉન કરે છે. ગત તા. 9મી ના રોજ બપોરે દોઢ કિમી દૂરથી એકલો ચાલતો આવેલ વિદ્યાર્થી ઘરે પહોંચ્યો હતો.

ત્યારે માતા-પિતાની ગેરહાજરીમાં પૂછપરછ કરતા જણાવ્યું હતું કે શૌચાલયમાં સફાઈ કરવા જતા પાઇપ છટકી જતા કપડાં ખરાબ થયા હોય બદલવા શિક્ષકે મોકલ્યો હતો. આ ઘટનાની વાલીએ ફરિયાદ કરતા આ બાબતને લઈ સોમવારે વિદ્યાર્થીને શાળાએ જતા વાનના ચાલકે જેમ તેમ કાલા વાલાના અંતે વાનમાં બેસાડી લઈ ગયો હતો પરંતુ આજરોજ ચિરાગને વાનમાં બેસાડી ન જતા વિદ્યાર્થીની માતા કરવા મુખ્ય શિક્ષકને ફરિયાદ કરવા ગયા હતા ત્યારે મુખ્ય શિક્ષક કમાલછોડ તાલીમમાં ગયા હતા.

ત્યારે શિક્ષકે જણાવ્યું હતું કે તમારા છોકરા પાસે કામગીરી કરાવીશું નહીં બીજા પાસે કામગીરી કરાવી લઈશું, મુખ્ય શિક્ષક કમાલછોડ ખાતે તાલીમમાં ગયા હોય ફોન પર વાતચીત કરવા માટે શિક્ષિકા પાસે નંબર માંગ્યો હતો. શિક્ષિકાએ ખોટો નંબર આપ્યા હોવાના આક્ષેપો વિદ્યાર્થીના માતાએ કર્યો હતો. ફોન કરી મુખ્ય શિક્ષકને વાનમાં ન બેસાડવા બાબતે પૂછતા જણાવેલ કે વાનમાં નિયમ મુજબ અને લિસ્ટ મુજબ બાળકોને બેસાડીએ છીએ.

શિક્ષિકાએ શાળામાંથી દાખલો લઇ જવા જણાવ્યું
વિદ્યાર્થીની માતા સોનલબેન સુરેશ તૈલીએ પોતાના બાળકને શૌચાલય સાફ કરાવવા બાબતે જાણ કરતા તેમણે કહ્યું હતું કે તમારા છોકરાને કામગીરી કરાવીશું નહીં. બીજા પાસે કરાવીશું એક સમયે વાતાવરણ ઉગ્ર બની જતા માતાના કહ્યા મુજબ શિક્ષિકાએ જણાવ્યું હતું કે આ કામગીરી કરવી હોય તો જ શાળાએ આવો નહીં તો શાળામાંથી દાખલો લઈ જાઓ એ હદ સુધીનો જવાબ આપતા ગરીબ વિદ્યાર્થીની માતા આજે હતપ્રત થઈ ગઈ હતી.

આચાર્ય તાલીમમાં હોવાથી ઘટનાથી અજાણ
મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજરોજ હું કમાલછોડ ખાતે 10:30 થી 5 કલાક સુધી તાલીમમાં ગયો હતો ઘટના શું ઘટી મને ખબર નથી, આ બાબતે ફોન આવ્યો હતો.

આવી ઘટના ઘટી હોય તો હું તપાસ કરાવી લઉં છું
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટી.જી.ચૌધરીને પૂછતા જણાવ્યું હતું કે આ બાબતની સરકાર ગ્રાન્ટ ફાળવે છે, આવી ઘટના ઘટી હોય તો હું તપાસ કરાવી લઉં છું, આવો બનાવ બન્યો હોય તે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...