બારડોલી તાલુકાના ઉમરાખ ગામે આવેલ આરાધના પ્લેટિનમ સોસાયટીમાં નાણાકીય લેવડ દેવડની સામાન્ય બાબતે સામસામે લાકડીઓના સપાટા ઉછડ્યા હતા. જાહેરમાં મારામારીનાં પગલે મોડી રાત સુધી ભારે તંગદિલી છવાઇ હતી. બારડોલી રૂરલ પોલીસે ઘટનાસ્થળેથી કુલ સાત વ્યક્તિઓની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એકને ભાગેડુ જાહેર કરતા ભારે તંગદીલી વચ્ચે ટોળા વેરવિખેર કરી મામલો કાબુમાં લીધો હોવાનું જાણવા મળે છે. મોડી રાત્રે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાવાઈ હતી.
ઓનલાઈન પેમેન્ટ કરવાથી તેને સરસ નોકરી મળવાની લાલચ આપી હતી
ઉમરાખ ગામે આવેલી આરાધના પ્લેટિનમ સોસાયટીના વિભાગ નંબર ત્રણમાં રહેતા તોતારામ ઠાકોરને આજ સોસાયટીના વિભાગ નંબર એકમાં રહેતા તુલસી શિવરામ શાહ દ્વારા થોડા સમય પહેલા એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો. તેમાં 18 હજાર રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાથી તેને સરસ નોકરી મળવાની લાલચ આપી હતી. ટુકડે ટુકડે અઢાર હજાર ચૂકવવા છતાં અમુક સમય સુધી નોકરી ન મળતા તોતારામે તુલસી શાહને નોકરી મળી ન હોવાનું જણાવી અને તેના પૈસા પરત આપવા માંગણી કરી હતી. વાતચીત દરમિયાન થોડી બોલાચાલી થતા અંતે મામલો પોલીસ મથકે ઉકેલવાની વાતો થઈ હતી. પરંતુ આ સમયે ફરી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઉશ્કેરાયેલા તોતારામ ઠાકોર, તેની પત્ની મનોરમા તથા તેની સાથે આવેલા મિત્રએ મળી તુલસીરામ તથા તેની પત્ની આરતીદેવીને લાકડીના સપાટા મારતા માથા સહિત કપાળ અને હાથના ભાગે ભારે ઈજાઓ પહોંચાડતા તેઓ બંનેને ચલથાણની સંજીવની હોસ્પિટલ મુકામે સારવાર અર્થે ખસેડાયા હતા.
પોલીસે તમામની અટકાયત કરી
બીજી તરફ તોતારામ ઠાકોરની પત્ની મનોરમા દેવીએ વળતી ફરિયાદ આપી અને હકીકત જણાવી તુલસી શિવ રામ શાહ, તેની પત્ની આરતી દેવી, પુત્ર સંજીત શાહ તથા તેના મિત્ર અંશુઝા અને રોનક પાંડે લાકડીના સપાટાથી મારામારી કરતા મનોરમા દેવીને હાથમાં ભારે ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષો દ્વારા મારામારી તથા જાનલેવા ધમકીઓ ઉચ્ચારવા બાબતે સામસામી ફરિયાદ દાખલ કરાઈ હતી. બારડોલી પોલીસે તમામની અટકાયત કરી હતી. જ્યારે કારેલી મુકામે રહેતા રાજ નામના એક યુવકને વોન્ટેડ જાહેર કરી જરૂરી તપાસ તથા કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.