બારડોલી સુગરની સામેથી પસાર થતાં રોડની નજીક રેલવે વિભાગ દ્વારા પાકી દીવાલ ઉભી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ દીવાલ બનવાથી રોડ સાંકડો થઈ જવાની સંભાવનાને ધ્યાને લઇ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતાં સાંસદ, સ્થાનિક ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ સ્થળ નિરીક્ષણ કરી રેલવે તંત્ર સાથે મસલત કરી હતી.
ગત જાન્યુઆરી માસમાં રેલવે તંત્ર દ્વારા રેલવેની હદમાંથી દબાણ દૂર કરી ત્યાં બેરિકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા. આ સ્થળે તાજેતરમાં રેલવે દ્વારા તેમની હદમાં પાકી દીવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ દીવાલ બનવાને કારણે હાલના હયાત રસ્તો સાંકડો થઈ જવાની સંભાવના છે અને આ કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા સહિતની અન્ય મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા છે. વળી આ રસ્તે થઈ શેરડી ભરીને સુગર ફેકટરી તરફ જતાં બળદ ગાડા અને ટ્રક જેવા મોટા વાહનો પણ પિલાણ સિઝન દરમિયાન મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે જેથી હાલના માર્કિંગ પ્રમાણે રેલવે દ્વારા પાકી દીવાલ બનાવવામાં આવે તો ટ્રાફિક જામ થવાની સાથે અકસ્માતના બનાવો પણ બનવાની સંભાવના છે. આ અંગે સ્થાનિક લોકોએ અને સુગરના સભાસદોએ ચૂંટાયેલા નેતાઓને રજૂઆત કરી હતી.
આ સંદર્ભે બારડોલી સાંસદ પ્રભુ ભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, બારડોલી પાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઇ, નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી સહિતના અગ્રણીઓએ દીવાલના ચાલતાં કામની મુલાકાત લીધી હતી. તેમણે રેલવેના જવાબદાર અધિકારીઓ ને રસ્તો સાંકડો ન થાય એ બાબતે સૂચન કર્યા હતા. એ સાથે જ હાલમાં આ દીવાલ ગરનાળા સુધી સીધી જ બનાવવાની તૈયારી કરવામાં આવી છે ત્યારે જરૂરિયાત પ્રમાણે અને ટ્રાફિકને ધ્યાનમાં લઈ દીવાલમાં વળાંક આપવામાં આવે એ પણ હાલ જરૂરી છે. આ બાબતે રેલવે અધિકારીઓ અને આગેવાનો એ સ્થળ મુલાકાત લઈ લંબાણ પૂર્વક ચર્ચા કરી હતી. સ્થાનિક લોકોએ આ દીવાલ હાલના ડામર રોડથી બે મીટર જેટલી અંદર ખસેડવામાં આવે તેવી માગ મૂકી હતી, જેનો રેલવે અધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.