બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી બાબતે અનેક નોટિસ આપ્યા છતાં ફાયર સેફ્ટી ન લાગાવનાર 47 જેટલી ઇમારતોમાં આવેલ અંદાજે 500થી વધુ દુકાનો સીલ કરવામાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે તો રહેણાંક વિસ્તારની હાઇ રાઇઝ ઇમારતોને પણ નોટિસ આપવા છતાં કોઈ ગંભીરતા ન દાખવતાં ફાયર વિભાગે રહેણાંક વિસ્તારોના સભ્યો સાથે એક બેઠક યોજી નક્કી કરેલ સમય અવધિમાં જો ફાયર સેફ્ટી ન લગાવાય તો તબક્કા વાર ગટર લાઇન, પાણી તેમજ વીજળીના કનેકશન કાપવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
નગરમાં ફાયર સેફ્ટી વિનાના કમર્શિયલ 47 જેટલી ઇમારતોની અંદાજે 500થી વધુ દુકાનો ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને વહેલી તકે ફાયર સેફ્ટી લગાવવા માટે ફાયર કોન્ટ્રાકટરો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો, જેમાં 22 જેટલા શોપિંગ સેન્ટરોએ ફાયર વિભાગને સોગંદનામાં આપી ફાયર સેફ્ટી 15 દિવસમાં લગાવવાની ખાતરી આપી ફાયર કોન્ટ્રાકટરને કામ પેટે અમુક ટકા રકમ ચૂકવી હોવાનું જણાવતા ફાયર સેફ્ટી લગાવવા માટે આ ઇમારતો ખુલ્લી કરવામાં આવી છે.
નગરની અન્ય ઇમારતો પણ વહેલી તકે ફાયર સેફ્ટી લગાવવાની તજવીજ હાથ ધરી છે. ફાયર સેફ્ટી બાબતે ફાયર વિભાગનું કડક વલણ જોતાં રહેણાક વિસ્તારમાં પણ ફાયર સેફ્ટી વહેલી તકે લાવવા માટે રહીશોએ પણ પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.