બાળકનું પરિવાર સાથે મિલન:બારડોલીમાં આશ્રમ શાળામાંથી ગુમ થયેલા બાળક્ને પોલીસે શોધી કાઢ્યો; ભણવાનું ગમતું ન હોવાથી ઘરે જવા નિકળ્યો હતો

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદામીઢા આશ્રમ શાળામાંથી ગુમ થયેલા બાળકને પોલીસે ગણતરીના કલાકમાં શોધી કાઢ્યો હતો. સાયણગામ નજીક આવેલા સાયણ સુગર વિસ્તારથી બાળકને લાવી એના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ. વિદ્યાર્થીને ભણવાનું ગમતું ન હોવાથી કોઈને કઈ પણ જાણ કર્યા વગર આશ્રમ શાળામાંથી પોતાના વતન જવા માટે નીકળી ગયો હોવાનું બાળકે પોલીસને જણાવ્યું હતુ.

પોલીસ અલગ અલગ ટિમો બનાવી કામે લાગી હતી
ઘટના બાબતે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઓલપાડ તાલુકાના સોંદામીઢા ગામે આશ્રમ શાળા આવેલી છે. જે આશ્રમ શાળામાંથી ગત 18મી તારીખના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડવી પાણી ગામે રહેતા અને 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કમલેશ છગનભાઇ કાથુડ ( ઉ.વ.14 વર્ષ 2 મહિના ) કોઈને પણ કસું જાણ કર્યા વગર આશ્રમ શાળામાંથી ચાલ્યો ગયો હતો. જે બાબતે ઓલપાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકની ઉંમર નાની હોઈ જેથી 6 પોલીસે અલગ અલગ ટિમો બનાવી કામે જોતરાઈ હતી.

ઓલપાડ પોલીસે બાળકનો કબજો માતા-પિતાને સોંપ્યો
દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, કમલેશ કાથુડ સાયણ ગામ નજીક આવેલા સાયણ સુગર વિસ્તારમાં જોવા મળ્યો છે. જે આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકનો કબજો લીધો હતો. પોલીસે તપાસ દરમિયાન બાળકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તેને ભણવાનું ગમતું ન હોઈ અને કોઈને જાણ કર્યા વગર આશ્રમ શાળામાંથી પોતાના તાપી જિલ્લામાં આવેલા ઘરે જવા માટે નીકળી ગયો હતો. ઓલપાડ પોલીસ મથકના P.I એમ.બી. તોમર તેમજ તેઓની ટીમે સફળ કામગીરી કરી નિર્દોષ બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ. બાળકના પરિવારે આ તબક્કે ઓલપાડ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓલપાડ પોલીસે હાલ બાળકનો કબજો તેઓના માતાપિતાને સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...