બારડોલીમાં CM ભગવંત માનનો રોડ શો યોજાયો:લોકો મોટી સંખ્યામાં જોડાયા; ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવાનું આશ્વાસન આપ્યું

બારડોલી2 દિવસ પહેલા

બારડોલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના પ્રચાર અર્થે રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ભગવંત માને જણાવ્યુ હતું કે, લોકો મોટી સંખ્યામાં રોડ શો અને જાહેર સભામાં આવી રહ્યા છે. તેમણે આદિવાસીઓનો જળ, જમીન અને જંગલના અધિકારની વાત કરી, પૈસા એક્ટનો અમલ કરવાની વાત કરી હતી.

27 વર્ષ જૂની સિસ્ટમ હવે લોકો બદલવા માગે છે: ભગવંત માન
બારડોલીના તલાવડી મેદાન નજીક આંબેડકર સર્કલથી ભગવંત માનનો રોડ શો સરદારચોક, જલારામ મંદિર થઈ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. રોડ શો બાદ ભગવંત માન તેન ગામમાં આવેલા ગુરુદ્વારા નજીક પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ગુજરાત હવે પરીવર્તન ઈચ્છે છે. રોજ લોકો મોટી સંખ્યામાં જાહેર સભા અને રોડ શોમાં જોડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે 27 વર્ષ જૂની સિસ્ટમ હવે લોકો બદલવા માગે છે. આમ આદમી પાર્ટી એક વિકલ્પનાં રૂપમાં સામે આવી છે. 8 તારીખે ચોંકાવનારા પરિણામો જોવા મળશે. ગુજરાતની વિવિધ સમસ્યાઓને લઈને તેમણે જણાવ્યુ હતું કે, મોંઘવારી, ભ્રષ્ટાચાર ઉપરાંત પરીક્ષાના પેપર ફૂટવાની સમસ્યા ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. આદિવાસી સમાજના જળ, જંગલ, જમીનના પ્રશ્નને લઈને પણ તેમણે પૈસા એક્ટ અને તેનું પાંચમું શિડ્યુલ લાગુ કરવાની વાત કરી હતી.

ભ્રષ્ટાચાર અટકા નિઃશુલ્ક વીજળી, શિક્ષણ આપવામાં આવશે: ભગવંત માન
તેમણે કહ્યું કે જળ, જમીન, જંગલ પર આદિવાસીઓનો હક છે. તેમને પૂછ્યા વગર જંગલના વૃક્ષો કાપી ડુંગરો ખોદવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર બાબતે દિલ્હી અને પંજાબના ઉદાહરણ આપી ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદી બાબતે વિશેષ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અટકાવી તેના જ પૈસાથી લોકોને નિઃશુલ્ક વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...