તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીશન ક્લીન રિવર:મીંઢોળા નદીની ગંદકી અટકાવવામાં ભૂતકાળના શાસકો નિષ્ફળ, નવાએ સત્તામાં આવી ફરી એજ રાગ આલાપ્યો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આશા: મિશન ક્લીન રિવર સફળ થશે તો ઉનાળામાં બારડોલીવાસીઓની પાણીની તકલીફ દૂર થશે - Divya Bhaskar
આશા: મિશન ક્લીન રિવર સફળ થશે તો ઉનાળામાં બારડોલીવાસીઓની પાણીની તકલીફ દૂર થશે
  • પણ વર્ષો જુનું સપનું સાકાર થશે ખરું ?
  • પાણીની સંગ્રહ શક્તિ વધારવા કેટલાક સ્થળે નદીને ઉંડી કરવા સાથે સફાઇનું આયોજન

બારડોલી નગરમાંથી પસાર મીંઢોળા નદીમાં ઉનાળાની સીઝનમાં પાણી ઓછું થવાની સાથે ગંદકી વધતા વારંવાર પાલિકાનો ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ કરવાની નોબત આવે છે. ભૂતકાળમાં પણ શાસકો દ્વારા નદીની ગંદકી અટકાવવા અનેકવાર આયોજન કર્યા હતા. અને વારંવાર નિષ્ફળ રહ્યા હતા.જેને કારણે વર્ષો વિતવા છતા આજે પણ પરિણામ શૂન્ય છે. અને લોકમાતા મીંઢોળાને સ્વચ્છ જોવાનું સપનું હજી સાકાર થઇ શક્યું નથી.

હાલ પાલિકાના નવા શાસકો દ્વારા પણ સત્તામાં આવ્યા બાદ પહેલી સભામાં જ નદીને સ્વચ્છ કરવા ઉપરાંત પાણીની સંગ્રહક્ષમતા વધારવા નદીને કેટલાક સ્થળોએ ઉંડી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. નદીમાંથી ગંદકી દૂર કરવા સુજલામ સુફલામ યોજનાની ગ્રાન્ટમાંથી નદીના પાણીમાં રહેલી લીલ અને વનસ્પતિ, કચરો સહિતની સફાઇ તેમજ નદી કિનારેની ગંદકી સફાઈ કરવાનું આયોજન તેમજ નદીમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને ઉનાળામાં નગરજનોને પાણીની તકલીફ નહિ પડે, માટે જરૂર જણાય ત્યાં નદી ઊંડી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેથી કરી પાણીનો સંગ્રહ થઈ શકે.

ગંદુ પાણી સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવું જરૂરી
બારડોલી નગરમાંથી પસાર મીંઢોળા નદીમાં જતું નગરનું ગંદુ પાણી અટકાવવા ભૂતકાળના શાસકો પણ ઠરાવો કર્યા હતા, પરંતુ વર્ષો પછી પણ સમસ્યા જૈસે થે છે. નવા શાસકો પણ ઉત્સાહમાં ઠરાવ કર્યો જે, ખૂબ સારી બાબત કહી શકાય. કામગીરી કરશે તો, નગરજનોને ફાયદો થશે. જ્યારે નગરનું ગંદુ પાણી નદીમાં વહેતું કાયમી અટકાવવા માટે પણ આયોજન માત્ર જરૂરી છે. 16 કરોડનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર છે. પરંતુ નગરના ગંદા પાણીને સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડી શકાયું નથી જેને કારણે સમસ્યા યથાવત છે. જો આ સમસ્યાનો ઉકેલ આવે તો ગંદુ પાણી અટકી નદીમાં જતું અટકી જશે.

નગરની પાણીની સમસ્યા ઉકેલાશે
મીંઢોળા નદીને સ્વચ્છ બનાવવા ગ્રાન્ટમાંથી કામગીરી કરવાનું આયોજન છે. જરૂર જણાય અમુક જગ્યાએ ઊંડી કરતા પાણીની સંગ્રહ શક્તિ વધી શકશે. જેથી નગરજનોને ઉનાળામાં પણ પાણીની તકલીફ નહીં રહે. - નીતિનભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા બારડોલી.

ઉનાળામાં નદીમાં નહેરનું પાણી બંધ થતાં જ એકદમ ઓછું થઈ જતું હોય છે. જેના કારણે પાણીમાંથી દુર્ગંધ પણ ઉઠતી હોય છે. જેને કારણે ફિલટરેશન પ્લાન્ટ બંધ કરી, બોરિંગના પાણી નગરજનોને વિતરણ કરવામાં આવતું હોય છે. નદીનો અમુક વિસ્તાર ઉલેચતા ઊંડી થવાથી પાણીનો સંગ્રહ વધતા નગરજનોને પાણીની તકલીફ થઈ શકશે નહિ.

અન્ય સમાચારો પણ છે...