દીપડી પાંજરે પૂરાતાં લોકોમાં રાહત:પલસાણાના દસ્તાન ગામે દીપડી પાંજરે પૂરાતાં સ્થાનિકોમાં હાશકારો; ઘણા દિવસોથી મરઘાઓ તેમજ કુતરાઓનો શિકાર કરતી હતી

બારડોલી20 દિવસ પહેલા

પલસાણાના દસ્તાન ગામે આવેલી વાડીમાં છેલ્લા ઘણા સમયથી મરઘાઓનો શિકાર દીપડા દ્વારા કરવામાં આવતો હતો. જે બાબતની જાણ થતાં વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા મારણ સાથે પીંજરું મુકવામાં આવ્યું હતું. વાડીમાં મુકવામાં આવેલા પિંજરામાં કદાવર દીપડી પુરાઈ હતી.

વાડીમાં મુકવામાં આવેલા પિંજરામાં કદાવર દીપડી પુરાઈ
પલસાણાનાં ટૂંડીથી દસ્તાન રોડ પર ખેતરમાં દીપડો દેખાવાનો વીડિયો બે દિવસ પહેલા જ વાયરલ થયો હતો. એક ટેમ્પો ચાલકે રાત્રીના સમયે દીપડાનો વીડિયો પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો. ત્યાંથી નજીક જ દસ્તાન ગામની સીમમાં ધર્મેશભાઈની 50 વીઘાની વાડી આવેલી છે. તેમની વાડીમાં મરઘાઓ તેમજ કૂતરા પણ રાખવામાં આવેલા છે. છેલ્લા થોડા દિવસોમાં 20થી વધુ મરઘાઓ તેમજ 2 કૂતરા ગાયબ થઈ જતાં વાડીના માલિકને કોઈ ચોર દ્વારા ચોરી કરાતી હોવાની શંકા હતી. પરંતુ દીપડાનો વાયરલ વીડિયો જોઈ ધર્મેશભાઈએ પલસાણા વનવિભાગની ટીમને જાણ કરી હતી.

દીપડો દેખાવાનો વીડિયો બે દિવસ પહેલા જ વાયરલ થયો હતો
​​​​​​​​​​​​​​વનવિભાગ દ્વારા મારણ સાથે તેમની વાડીમાં પીંજરું મુકવામાં આવ્યું હતું. દરમિયાન ગઈકાલે બુધવારે મોડી રાત્રે શિકારની લ્હાયમાં એક અઢી વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ હતી. વનવિભાગની ટીમે દીપડીનો કબ્જો લઈ તેનું મેડિકલ પરીક્ષણ કરી જંગલમાં સુરક્ષિત છોડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...