કાર્યવાહી:અગાઉ થયેલા હુમલાની અદાવત રાખી યુવકને આંતરી લાકડાના સપાટા મરાયા

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબેન ગામની ઘટનામાં ઘવાયેલો બારડોલીનો યુવક હાલ સારવાર હેઠળ

બારડોલીના બાબેન ગામે અગાઉ થયેલા હુમલાની અદાવતમાં યુવકને આંતરી લાકડાના સપાટા મરાતા માહોલ ગરમાયો છે.થોડા દિવસો પહેલા બારડોલીના બાબેન ગામે આવેલ સી.એન.જી પમ્પની સામે વિકી રાઠોડ નામના યુવાનને પાર્કિંગ બાબતે માર મરાયો હતો.

જેની અદાવત રાખી ગુરુવારની રાત્રિના સમયે બાબેન ગામે આવેલા જિમમાંથી મિત્રની મોટરસાયકલ પર પોતાના ઘરે જઇ રહેલા 28 વર્ષીય અલમાઝ સોયેબ પઠાણ રહે. બારડોલી તેમજ મિત્ર શાબિર શેખને આંતરી તેઓની મોટર સાયકલ નીચે પાડી દેવામાં આવી હતી અને વિકી રાઠોડે તેનાં હાથમાં રાખેલ સ્ટમ્પનાં ફટકા અલમાઝનાં માથામાં માર્યા હતાં, જે સમયે વિકી રાઠોડનાં મિત્રોએ પણ અલમાઝને લાકડાના સપાટા માથા તથા હાથના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

અલમાઝનાં મિત્ર શાબિરને પણ છોડાવવા જતા માર મરાયો હતો. અલમાઝને ગંભીર ઈજાઓ સાથે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા બારડોલી પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. ઘટના બાબતે પોલીસે અલમાઝની ફરીયાદ લઇ વધું કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલો વધુ ન વણશે તે માટે બારડોલી પોલીસ દ્રારા બાબેન ખાતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...