મિશન ગ્રીન ઝોન:બારડોલીની 223 આંગણવાડીના 9116 બાળકોમાંથી 620 નબળા, તંદુરસ્ત બનાવવા બે માસ સુધી હેલ્ધી ફૂડ અપાશે

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી તાલુકાને કુપોષણ મુક્ત બનાવવા વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું

બારડોલી તાલુકા પંચાયતની કારોબારીની મળેલ મિટિંગમાં બારડોલીની તમામ 223 આંગણવાડીઓને રેડ ઝોન અને યલો ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવી દેવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈસીડીએસ સંચાલિત આંગણવાડીઓના બાળકોને ગ્રીનઝોનમાં લાવવા સતત બે માસ બાળકોના પોષણ માટેનો ખોરાકની કીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય, પહેલી મિટિંગમાં સુધારા કરી બાળકોના પોષણ માટે સ્વંભંડોળમાંથી રૂપિયા આપવાનું નક્કી થયા બાદ આજે કારોબારીમાં બે માસ માટે 5 લાખ રૂપિયાની કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બારડોલીના 9116 આંગણવાડીઓના બાળકોમાંથી 620 નબળા હોવાથી તેમને પોષણક્ષમ ખોરાક આપી તંદુરસ્ત કરવાનું નક્કી કરાયું હતું. જે આધારે તાલુકાની આંગણવાડીઓના નબળા બાળકો માટે પોષણક્ષમ ખોરાકની કીટ માટે 5 લાખ ખર્ચ કરવાનું નક્કી કરાયું હતું. આ 5 લાખ રૂપિયા બે માસ નબળા બાળકોને ખોરાકની કીટ આપી શકશે.

નબળા બાળકને 350 રૂપિયા ખોરાક અને 50 રૂપિયાનું દૂધ મળી 400 રૂપિયાની કીટ બાળકને આપવાની હોય છે, જે સતત 3 માસ આપવામાં આવે તો, રેડ અને યલો ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવી જતા હોય છે. તંદુરસ્ત બાળક તરીકે આવી શકે છે. અને આ દિશામાં સઘન પ્રયાસો હાથ ધરાયા છે.

ભવિષ્યમાં પણ આ ગ્રાન્ટ અપાતી રહેશે
બારડોલીની 223 આંગણવાડીઓના કુલ 9116 બાળકોમાંથી રેડ ઝોનમાં 89, યલો ઝોનમાં 524 મળી કુલ 623 નબળા બાળકો છે. આ બાળકોને તંદુરસ્ત બનાવવા માટે પહેલા દાતાઓ પાસે દાન, ગામના આગેવાનો દત્તક લઇ પોષણક્ષમ ખોરાક માટે ફાળો આપતા હતા, પરંતુ નવા જન્મેલા બાળકો બીજા વર્ષે ઉમેરાતા હોવાથી ફરી રેડ અને યલો ઝોનમાં આવી જતા હોય છે. દાતાઓ અને અગ્રણીઓ વારંવાર શોધવામાં કર્મચારીઓને મુશ્કેલી પડે છે. તાલુકા પંચાયત થકી પ્રથમ 2 માસ માટે 5 લાખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ મદદ સતત ચાલુ રહે તે માટેના પ્રયાસ કરવાનું પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. - પરિક્ષિત દેસાઈ, કારોબારી અધ્યક્ષ, બારડોલી તાલુકા પંચાયત

અન્ય સમાચારો પણ છે...