કાર્યવાહી:બારડોલીમાં સિક્યુરિટી ચકાસતા બીજા જ માણસો હાજર, એજન્સીનો કરાર રદ કરી ડિપોઝીટ જપ્ત

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરદારબાગ વિસ્તારમાં પોઇન્ટ આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સરદારબાગ વિસ્તારમાં પોઇન્ટ આપવામાં આવ્યો હતો.
  • પાલિકાએ નગરના 8 પોઇન્ટ પર સિક્યુરિટીના જવાન મુકવા એજન્સીને કામ સોંપ્યું હતુ
  • બારડોલીના​​​​​​​ 8 પોઇન્ટ પર મૂકાયેલા સિક્યુરિટી પોઇન્ટ પર ઘણીવાર કોઇ હાજર ન હોવાની પણ ફરિયાદ

બારડોલી નગરમાં વધતા ટ્રાફિકના ભારણને હળવુ કરવા પાલિકાએ નગરના અલગ અલગ 8 પોઇન્ટ પર સિક્યુરિટીના જવાન મુકવા માટે એજન્સીને કામ સોંપ્યું હતું. પાલિકાએ સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્થળ પર સિક્યુરિટી હાજર જણાયા ન હતા. જેથી ચીફ ઓફિસરે ફરજ બજાવતા તમામ સિક્યુરિટીગાર્ડને પાલિકા બોલાવીને યાદી મુજબ ચકાસણી કરતા, બીજા માણસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી તાત્કાલિક એજન્સીને નોટિસ આપી, ડિપોઝિટ કબ્જે લઈ એજન્સી સાથેનો કરાર રદ કર્યો હતો અને ફરી નવું ટેન્ડરિંગ કરી પહેલાના ભાવે જ નવી એજન્સીને કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એજન્સીએ ટેન્ડરના નિયમોનું પાલન નહિ કરી, નિષ્ક્રિયતા દાખવતા પાલિકા તત્કાલ એકશનમાં આવી, સિક્યુરિટીનો પ્રશ્ન હોવાથી કડક નિર્ણય લીધો છે.

બારડોલી નગરમાં શાકભાજી માર્કેટ, 2 મુખ્યમાર્ગ, 3 બાગોમાં, 1 રિવરફન્ટ, પાલિકા ઓફિસ પર સિક્યુરિટી ગાર્ડ મુકવા માટે 8100 રૂપિયા એક સિક્યુરિટી ગાર્ડ પ્રમાણે 15 માણસો નક્કી કરી, 8 કલાકની ડ્યુટી મુજબ માણસો મુકવા અંગેનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમાર્ગ પર ટ્રાફિકને હળવું કરવા આડેધડ વાહનપાર્ક નહિ કરવા દઈ, અડચણરૂપ નહિ બને એ રીતે વાહનો પાર્ક કરાવવા, ઓફિસમાં આવતા જતા લોકોનું રજીસ્ટર મેન્ટેઇન કરવું, સિક્યુરિટી ગાર્ડ વર્દીમાં ફરજ બજાવવા સહિતના અનેક નિયમો સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરતા, અમદાવાદની એજન્સીને કામ મળ્યું હતું. જેથી જરૂરી નિયમો સાથે કરાર કરી નગરના નક્કી કરેલા પોઇન્ટ પર સિક્યુરિટીના માણસો મુકવા કામગીરી સોંપી હતી. પાલિકાના ધ્યાનમાં સિક્યુરિટીના માણસો પોઇન્ટ પર હાજર જણાતા ન હોવાનું માલુમ થતા નગરના પોઇન્ટ પર પાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. પરંતુ ઘણા સ્થળ પર સિક્યુરિટી ગાર્ડ હાજર જણાયા ન હતા. અમુક સ્થળે વરદી વગર જણાયા હતા.

પાલિકાના સીઓ વિજય પરીખને હકીકત જણાવતા, તમામ પોઇન્ટના સિક્યુરિટીને પાલિકા હાજર કરવા એજન્સીને જાણ કરી હતી. ​​​​​​​ત્યારબાદ એજન્સીએ સિક્યુરિટી ગાર્ડના નામની આપેલી યાદી મુજબ ખરાઈ કરતા, બીજા માણસો હોવાનું બહાર આવ્યું હતું. જેથી નગરમાં સિક્યુરિટી જેવી ગંભીર બાબતે એજન્સીએ નિસક્રિયતા દાખવતા અને કરારનું ઉલ્લંઘન કરતા, નોટિસ આપવામાં આવી હતી. પાલિકાએ એજન્સીને નોટિસ આપી, ડિપોઝીટ કબ્જે લઈ, પાલિકાએ એજન્સી સાથેના કરાર રદ કર્યા હતા. અગાઉના ભાવ મુજબ નવી એજન્સીને સિક્યુરિટી મુકવા બાબતે કામ સોંપવામાં આવશે.

એજ ભાવમાં બીજી એજન્સી તૈયાર
​​​​​​​અમોએ આપેલા પોઇન્ટ પર સિક્યુરિટી ગાર્ડ મુકવા એજન્સી સાથે કરાર કર્યા પછી, સરપ્રાઈઝ ચેકિંગ કરતા સિક્યુરિટીના માણસો હાજર ન હતા, પાલિકામાં બોલાવી પૂછતાછ કરતા એજન્સીએ જે ગાર્ડના નામ આપ્યા હતા એની જગ્યાએ બીજા જ માણસો ફરજ પર હતા. આ ગંભીર બાબત હોય, તાત્કાલિક એજન્સીને નોટિસ આપી કરાર રદ કર્યા છે. આ ભાવમાં બીજી એજન્સી કામ માટે તૈયાર હોય, જેને કામગીરી સોંપાશે. > નીતિન શાહ, કારોબારી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...