મોતનો વણાંક:કરણ ગામના ગોઝારા કટ પાસે વધુ એકનું મોત 3 વર્ષમાં 20 ગંભીર અકસ્માત, 17એ જીવ ખોયા

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે પર પલસાણા તાલુકાના કરણ ગામના કટ પાસે વારંવાર અકસ્માતથી બ્લેક સ્પોટ જાહેર
  • રવિવારે મોડી સાંજે બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત
  • કરણ ગામના 2 અને બાજુના ચલથાણ ગામના 4 યુવક આ ગોઝારા કટ પર અકસ્માતમાં મોતને ભેટ્યા

પલસાણા તાલુકાના કરણ ગામની હદમાંથી પસાર થતા ને.હા.48 ના કારણે કરણ ગામ બે ભાગમાં વહેચાયેલું છે. એક તરફ સાંકી - બગુમરા ગામને જોડતો એપ્રોચ રોડ પર અહીં હાઇવે ને મળે છે જેના કારણે અહીં વાહનોની અવરજવર વધુ રહે છે. રવિવારે મોડી સાંજે અહીં વધુ એક અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતુ.

મળતી માહિતી અનુસાર ગત રવિવારના રોજ મોડી સાંજે હોંડા સાઈન મોટરસાઇકલ નંબર (GJ 19 AS 2976) પર ચલથાણ ખાતે શિવસાઈ રેસિડેન્સીમાં રહેતા જીતેન્દ્રભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ અને તેના મિત્ર થનગપાંડી ચીન્નકાલઇ (મૂળ તમિલનાડુ) સાંકી ગામેથી પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે હાઇવે ક્રોસ કરતી વખતે અમદાવાદથી મુંબઈ તરફ જતી ટાટા ટ્રક નંબર MH 14 DM 7855 ના ચાલકે અડફતે લેતા પાછળ બેથેલો થનગપાંડી ચીન્નકાલઇ ટ્રકના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.

ઘટનાની જાણ થતા ગામજનો ભેગા મળી ઇજાગ્રસ્ત જીતેન્દ્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે કરણ ગામની સીમમાં આવેલ શક્તિ પેટ્રોલિયમથી લઈ જૈન મંદિર સુધીના એક કિમીના વિસ્તાર બ્લેક સ્પોર્ટ જાહેર થયો છે અહીં છેલ્લા 3 વર્ષમાં 20.થી વધુ ગંભીર અકસ્માત નોંધાયા છે જેમાં 17 લોકોનો ભોગ લેવાયો છે જે નોંધપાત્ર છે અહીં ઓવર બ્રિજની માંગણીઓ છેલ્લા કેટલાય વર્ષથી ગામજનો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રએ આજદિન સુધી સંતોષકારક કામગીરી નહિ કરતા આ વણાંક મોતનો વણાંક સાબિત થઈ રહ્યો છે.

કરણ ગામના 2 અને બાજુના ગામના 4 મોતને ભેટ્યા
કરણ ગામના અગ્રણી અને આ કટ મામલે લડત ચલાવતા વકીલ કિરીટ નાયક અહીં જ અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યા હતા. કરણની બાજુની સોસા.ના ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. કરણના 2 અને કરણ ગામની બાજુમાં ચલથાણના 4 યુવાન આજ કટ પર મોતને ભેટ્યા હતા.

કટ પર લાઈટની સુવિધા સુધ્ધા નથી
કરણ ગામના આ ગોઝારા કટ પર રાત્રીના સમયે ઘોર અંધકાર રહે છે જેના કારણે પુરઝડપે આવતા વાહનોને અહીં રાહદારીઓ નજરે ચઢતા નથી અને અકસ્માતનો ભોગ બને છે.

વાહનો નજરે નથી ચઢતા અને અકસ્માત સર્જાય છે
કરણ ગામના આ કટ પર અમદાવાદથી મુંબઈ તરફ જતો ટ્રેક વણાંક હોવાના કારણે અમદાવાદ તરફથી આવતા વાહનો નજર નથી ચડતા જે સમયે સાંકી ગામ તરફથી આવતા વાહનો જો રસ્તો ક્રોસ કરવા જાય તો અકસ્માત સર્જાય છે. અહીં કરણ ગામનો પ્રવેશ દ્વારા અને સાંકી ગામની એપ્રોચ રોડ સામસામે છે. જ્યારે બને હાઇવે વચ્ચે માત્ર અઢી ફૂટનો ગેપ છે જેથી જો વાહન વ્યવસ્થિત નહીં થોભાવે તો વાહનની આગળ કે પાછળથી અકસ્માત થવાનો ભય રહે છે.

જૂની પંચાયત બોડીએ બ્રિજ બનાવવા માટે ઠરાવ કર્યો હતો હાઈવેની બીજે છેડે આવેલ હળપતિ વસાહતમાં સંખ્યાબંધ નાના છોકરાઓ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવે છે તેમજ ગામની બીજી બાજુએ આવેલ ગામનો મીનરલ પાણીના પ્લાન્ટમાં પાણી લેવા માટે પણ ગામમાંથી દરેક ઘરમાંથી રોજ એક વ્યક્તિ જાય છે. ખરેખર આ રોડ ક્રોસ કરતી વખતે જીવ ટાળવે ચોંટેલો રહે છે અહીં બ્રિજ માટે ભૂતકાળની પંચાયત બોડીએ ઠરાવ કરી રજુઆત પણ કરી છે તંત્ર ધ્યાન દોરે એ જરૂરી છે. - રવજીભાઈ રાઠોડ, સરપંચ કરણ ગામ

આસપાસની જનતા માટે મોતનો શોર્ટકટ સાબિત થયો છે
ગામના પાદરે જ છે છેલ્લા 3 વર્ષમાં ઘણા ગંભીર અકસ્માત થયા છે, જેમાં લગભગ તમામ મોતને ભેટ્યા છે. આ કટ ખરેખર ગામ અને આસપાસની જનતા માટે મોતનો શોર્ટકટ સાબિત થયો છે. ગામની તમામ પંચાયત બોડીએ ઉચ્ચસ્તરીય રજૂઆત કરી છે. તો વહેલી તકે આ સમસ્યાનો યોગ્ય નિકાલ આવે એ જરૂરી બન્યું છે. - ચંદ્રકાન્ત મિસ્ત્રી, કરણ ગામના રહેવાસી

અન્ય સમાચારો પણ છે...