તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ઓલપાડ સીએચસીમાં 47 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર, પ્રતિ મિનીટ 250 લિટર ઓક્સિજન ઉત્પન કરશે

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે આગોતરા આયોજનના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ.ના સહયોગથી સ્થાપિત કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ જિલ્લા કલેકટર આયુષ ઓકના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો મક્કમતાથી મુકાબલો કરીને મહદ્દઅંશે કોરોનાને હરાવવામાં સફળતા મળી છે, પરંતુ સાવચેતીના તમામ પગલાં લઈને સંભવિત ત્રીજી લહેરના સામના માટે આપણે સૌએ સજ્જ રહેવું જરૂરી છે. તેમણે ઉમદા કામગીરી બદલ આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો મુખ્ય હેતુ ઓક્સિજનના અભાવે દર્દીઓના મૃત્યુ નિવારવાનો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હવે કોવિડની ત્રીજી લહેર ન આવે અને લોકો નિરોગી રહે. પરંતુ આગોતરા આયોજનરૂપે ઓલપાડ તાલુકાને ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપવા બદલ શેલ કંપનીને બિરદાવી હતી. અને તેમની સામાજિક જવાબદારીની સરાહના કરી હતી.

શેલ કંપનીના કોર્પોરેટ અફેર્સના હેડ સુનિલભાઇ મહેતાએ જણાવ્યું કે, ફક્ત 47 દિવસમાં તૈયાર કરાયેલા આ ઓક્સિજન પ્લાન્ટમાં મશીનરી, પ્લાન્ટ સ્ટ્ર્ક્ચર, 36 બેડ ઓક્સિજન કનેકશનની પાઇપલાઇન, 40 ઓક્સિજન સિલીન્ડર, 75 કિલોવોટનુ સ્ટેબિલાઇઝર, ઇલેકટ્રીક વર્ક અને શેડનું વર્ક જેવી સુવિધા ઊભી કરાઈ છે. આ કામગીરીમાં ‘કાંઠા વિસ્તાર સાતત્યપૂર્ણ વિકાસ સંસ્થા’ના પ્રોજેક્ટ મેનેજેર મનોજભાઇ પટેલે પણ પ્લાન્ટ શરૂ કરવા માટે આયોજન અને માર્ગદર્શન આપ્યું છે. ઓક્સિજન પ્લાન્ટમાં સહયોગ બદલ શેલ કંપનીના સુનિલભાઇ મહેતા તેમજ મહેન્દ્રભાઇ પટેલને કલેકટરએ સન્માનિત કર્યા હતાં.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરી, જિલ્લા આર.સી.એચ.ઓ ડો.પિયુષ શાહ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રશાંત સેલર, સી.એચ.સી સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પુજા પટેલ, ઓલપાડ પ્રાંત અધિકારી આર.સી.પટેલ, મામલતદાર ભરતભાઇ અને ટીડીઓ ચાવડા, સી.એચ.સી.ડોકટર તેમજ તમામ હેલ્થ સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...