ફરી એજ મોકાણ:બારડોલી પંથકની મીંઢોળા નદીમાં દૂષિત પાણી ભળતા અસંખ્ય માછલીના મોત; વારંવાર ગંદું પાણી છોડાઇ રહ્યું છે છતાં તંત્ર ધૃતરાષ્ટ્ર બની બેઠું છે

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
માછલી અને ઝીંગાના મોતની જાણ થતાં જ લોકો તેને એકઠા કરવા પહોંચી ગયા - Divya Bhaskar
માછલી અને ઝીંગાના મોતની જાણ થતાં જ લોકો તેને એકઠા કરવા પહોંચી ગયા
  • બારડોલી પાસે પાણી સ્વચ્છ પરંતુ તાજપોર પાસે માછલીઓના મોત થતા ગંદું પાણી ડભોઇ ખાડીમાંથી આવ્યાની શક્યતા

બારડોલી નગરમાંથી પસાર મીંઢોળા નદીના પાણીમાં શનિવારે દૂષિત પાણી ભળતા અસંખ્ય માછલીઓના મોત થયા હતા. વર્ષમાં બીજી વખત દૂષિત પાણી ભળવાથી જળચર જીવોને જોખમ થયું છે, તાજપોર બુજરંગ ગામથી માછલીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ વખત ગંદુ પાણી નગરની ઉપરવાસમાં નહિ, પરંતુ ડભોઇ ખાડીમાં થકી પાણી નદીમાં ભળ્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નદીમાં ગંદુ પાણી છોડી અસંખ્ય જડચરજીવો સાથે ચેડાં કરનારને અટકાવવામાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર લાચાર છે, જેથી કરી દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

વર્ષોના વાયરા વીતી જવા પછીએ મીંઢોળા નદીમાં ગંદુ પાણી છોડતા ઉદ્યોગની માહિતી વહીવટીતંત્ર શોધી શક્યું નથી. જે વાત લોકોના ગળે ઉતરે એવી નથી. વહીવટીતંત્ર માત્ર કાગળ પર ઘોડા દોડાવી બાદમાં ફાઇલ અભરાઈ પર ચઢાવ્યા સિવાય, નક્કર પગલાં લેવામાં સ્થાનિક વ્હીવટીતંત્ર અને પોલ્યુશન કંટ્રોલબોર્ડ નિષ્ફળ રહ્યા છે. બારડોલી મામલતદાર નદીમાં ગંદુ પાણી ભળ્યુનો સ્વીકાર કર્યો, પણ ક્યાંથી આવ્યું એની કોઈ જાણકારી ન હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા.

અસંખ્ય જળચર જીવોનો ભોગ લેનારા સામે કડક કાર્યવાહીની માંગ
મીંઢોળા નદીમાં દૂષિત પાણી બારડોલી નગરના ઉપરવાસમાં અત્યાર સુધી ભળતા નગર સહિતના વિસ્તારથી લઈ અમલસાડી ગામ સુધીના કિનારે અસંખ્ય માછલીના મોત થયેલ જોયા છે, પરંતુ આ વખતે ગંદુ પાણી નગરના ઉપરવાસમાંથી ભળ્યુ નથી, નગરમાં ચોખ્ખું પાણી છે, બારડોલીના તાજપોર બુજરંગ ગામથી નદીમાં માછલીના મૃત્યુ થયા છે. જેથી તાજપોર ગામની હદ પહેલા ડભોઇ ખાડી નદીને મળતી હોય અન્ય બીજી કોઈ કોતરમાં શક્ય ન હોવાથી ડભોઇ ખાડીમાં ગંદુ પાણી છોડવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર ગંભીર બની યોગ્ય તપાસ કરવામાં આવે તો અસંખ્ય જળચર જીવોનો ભોગ લેનાર, અને માનવ જીવનના આરોગ્ય સાથે ચેડાં કરનાર સુધી પહોંચવા માર્ગ મળી શકે.

વારંવાર ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ કરવો પડે છે
દૂષિત પાણી મીંઢોળા નદીમાં દર વર્ષે છોડવામાં આવતું હોવાથી બારડોલી નગરનો ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ કરવો પડે છે, બોરનું પાણીનું વિતરણ કરવું પડે. પૂરતા દબાણથી પાણી નહિ મળવાની સમસ્યા સર્જાતી હોય છે. આવી ગંભીર સમસ્યાથી સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સમસ્યાથી પરિચિત છતાં, નક્કર નિવારણ લાવવામાં આજે પણ અસમર્થ છે.

તપાસ માટે જીપીસીબીને જાણ કરાઇ છે
નિણત ગામના સરપંચે ટેલિફોનિક જાણ કરતા, સર્કલ મામલતદારને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. નદીમાંથી મૃત માછલીઓના અવશેષ મળી આવ્યા હતા. દૂષિત પાણી નદીમાં ભળ્યુ છે, પરંતુ વહી ગયું હોવાથી સરપંચના નિવેદન લઈ, આગળની તપાસ માટે જીપીસીબીને જાણ કરી છે. > જિજ્ઞા પરમાર, મામલતદાર બારડોલી

દુષિત પાણીથી મરેલી માછલી ખોરાકમાં લેવી જોખમી
મીંઢોળા નદીમાં વારંવાર દૂષિત પાણી ભળતા અસંખ્ય જળચર જીવોનો નાશ થતો હોવા છતાં, સ્થાનિક અધિકારીઓ આ દુષણ અટકાવવામાં અસમર્થ છે. દૂષિત પાણીથી મરેલ માછલી લોકો ખોરાકમાં ઉપયોગ કરતા તેમના આરોગ્ય પણ જોખમાય શકે. લોકો જીવ સાથે ચેડાં કરતા આવા લોકોને પકડી કાયમ માટે બ્રેક લગાવવાની જરૂર છે. > સંદીપ પટેલ, ખેડૂત આગેવાન અને જીવદયાપ્રેમી, નિણત

અન્ય સમાચારો પણ છે...