બારડોલી નગરના મુખ્યમાર્ગો પર ટ્રાફિક ભારણ વધતા શાસકોએ મંગળવારના રોજ દબાણ સમિતિ વિભાગની ટીમને લઈને મુખ્યમાર્ગ, અસ્તાન તેન રોડ અને ગાંધીરોડ અને શાકભાજી માર્કેટમાં ટ્રાફિકને અડચણરૂપ 100થી વધુ લારીઓને અંદરથી ખસેડવા તેમજ જ્યાં જગ્યાની મોકળાશ હોય, ત્યાંથી દૂર કરવામાં આવી હતી. બપોરે અને સાંજે બે ટાઈમ શાસકો અને કર્મચારીઓની ટીમ નીકળી હતી.
જોકે, બપોરના સમયે 44 ડીગ્રી તાપમાનમાં દબાણ હટાવવા નીકળેલા પાલિકાના પદાઅધિકારીઓ અને સભ્યો માર્ગો પર એસી કારમાંથી ઉતરી શક્યા ન હતા, જ્યારે કર્મચારીઓ ગરમીમાં રોડ પર લારીવાળા સાથે માથાકૂટ કરી દબાણ દૂર કરવા બાબતે સૂચના આપતા જોવા મળ્યા હતા.
સાંજના સમયે પણ શાસકો અને કર્મચારીઓ રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓને ખસેડવા સાથે દુકાનદારો બહાર મુકેલ બોર્ડ સહિત સામાન પણ હટાવ્યું હતું. લીમડાચોક શાકભાજી માર્કેટમાં પણ દબાણકર્તાઓને દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. પાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ, દબાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભાવસાર સહિત સભ્યો માર્કેટમાં પાલિકાના કર્મચારીઓ સાથે આવ્યા હતા. મંગળવારે પહેલા સૂચના આપી છે, પછી પણ અવગણના કરવામાં આવે તો, પાલિકા લારીઓ ઊંચકી જશે.
આ 3 મુખ્યમાર્ગ અને શાકભાજી માર્કેટમાં અડચણરૂપ લારીઓ
રેલીંગ બહાર ધંધો કરનારને ખસી જવા સૂચના
લીમડાચોક શાકભાજી માર્કેટમાં ટ્રાફિકને હળવું કરવા રેલિંગ પણ પાલિકાએ બનાવી હતી, પરંતુ ખર્ચો ભારે પડ્યો હતો. રેલિંગ બહાર પણ શાકભાજીના સ્ટોલ ચાલુ કરતા, આવા દબાણકર્તાને દબાણ સમિતિએ ખસી જવા માટે કડક સુચના આપી છે, જ્યારે રસ્તા પર અડચણરૂપ બનતી લારીઓને હટાવવા જણાવવામાં આવ્યું હતું.
આ રીતે ઉભા રહેવા સૂચના
માર્ગો પર પીળા પટ્ટા પછી પાર્કિંગની જગ્યા બાદ પેવર ફિટ કરાયા છે. જેથી મોકળાશની જગ્યા પર લારીઓ પેવરની જગ્યા છોડી ધંધો કરી શકે. જ્યારે મોકળાશ ઓછી હોય, પાર્કિંગની સમસ્યા હોય, એવા સ્થળે લારીઓ ઉભી રાખવાની સખત મનાઈ ફરમાવી છે.
અગાઉ અભિયાન છેડાયું હતુ
અગાઉ પાલિકાએ લારીઓ હટાવી ડીમોલિશન પણ કર્યું હતું. પરંતુ સમસ્યામાં ફેરફાર થયો નથી, જેનું કારણ શોપિંગ સેન્ટરના પાર્કિંગ કરાવવામાં અસમર્થ રહી છે, જે શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ છે, તેમાં વાહનો પાર્ક કરાવવામાં પણ નિષ્ફળતા મળી છે.
બે દિવસ સૂચના પછી લારી ઉંચકી લઇશું
3 મુખ્ય માર્ગોની લારીવાળાઓ જે ટ્રાફિકને અડચનરુપ બને છે. બે દિવસ સૂચના આપીશું. ત્રીજા દિવસથી કોઈ સૂચના નહિ, ટ્રાફિક માટે અડચણરૂપ હશે, તો પાલિકા લારી ઊંચકી જશે. - ફાલ્ગુનીબેન દેસાઈ, પ્રમુખ નગરપાલિકા બારડોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.