સુરક્ષા:સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો એક પણ કેસ નહીં

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિવિધ તબેલાઓમાં સરવે કરાયો. - Divya Bhaskar
વિવિધ તબેલાઓમાં સરવે કરાયો.
  • લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા જિલ્લામાં 14500 પશુધનનું રસીકરણ સુપેરે પૂર્ણ

સુરત જિલ્લામાં હાલમાં લમ્પી વાયરસનો એક પણ કેસ રહ્યો નથી. નોંધનીય છે કે, ગત 14 જૂને ભેસ્તાન અને કામરેજ તાલુકામાં લમ્પી વાયરસના નજીવા ચિન્હો ધરાવતા 10 કેસ નોંધાયા હતા. જે તમામ પશુઓ હાલ સ્વસ્થ થયા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા 5054 સહિત કુલ 14,500 પશુધનનું રસીકરણ પૂર્ણ થયું છે. પશુપાલન તંત્ર લમ્પી વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા સતર્ક છે.

સુરત જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો.કિરીટ મોદીએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ આ રોગથી ગભરાવાના બદલે તકેદારી રાખવાથી અને સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સુચન અનુસાર બિમાર પશુને સારવાર કરાવવી. આવા પશુને અલગ રાખવાથી અને બિમાર પશુ સાથે રહેલા પશુઓને રસીકરણ કરવાથી આ રોગ સંપૂર્ણપણે નિયંત્રિત થઇ જાય છે. અન્ય જિલ્લામાં લમ્પી વાયરસના ફેલાવો જોતા સુરત જિલ્લાના પશુધનમાં દૈનિક ધોરણે સર્વે કરવામાં આવે છે. આ રોગ માનવમાં નથી થતો, પણ પશુથી પશુમાં ફેલાઈ શકે છે.

હાલમાં આ રોગના તીવ્ર સંક્રમણને ધ્યાને લેતા અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં પશુઓની હેરફેર ન થાય તે માટેની તકેદારી રાખવા તેમણે પશુપાલકોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ડો.મોદીએ ઉમેર્યું કે, ગત તા.14મી જૂને સુરતના ભેસ્તાન પાંજરાપોળમાં 2 કેસ અને કામરેજ તાલુકાના આખાખોલ ગામની પાંજરાપોળમાં 8 કેસ મળી કુલ 10 કેસ નોંધાયા હતા. જે તમામ પશુઓ હાલ સ્વસ્થ થઈ ગયા છે

લમ્પી વાયરસ શું છે ? તે કેવી રીતે ફેલાય છે
લમ્પી સ્કીન ડીસીઝએ એક વાયરસજન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક પશુ મૃત્યુ પામે છે.

પશુપાલકોએ આ તકેદારી રાખવી જરૂરી
લમ્પી વાઇરસને ડામવા પશુપાલકોને ઢોરના કોઢારમાં સાફસફાઈ રાખવી પશુધનમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના પશુ દવાખાનાનો અથવા હેલ્પલાઇન નં.1962 ઉપર સંપર્ક કરવો.પીસીઆર અને એલાયસા ટેસ્ટ દ્વારા લેબોરેટરીમાં સચોટ નિદાન થાય છે. સારવારમાં રોગીષ્ટ પશુને સૌ પ્રથમ અલગ કરવુ અને રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું. અસરગ્રસ્ત વિસ્તારના નિરોગી પશુઓમાં ફેલાવો અટકાવવા વાઇરસ વિરોધી રસીકરણ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...