ઓલપાડના આડમોર ગામની એક વૃદ્ધાનું અવસાન થતાં ડાઘુઓ ટેમ્પામાં બેસી અંતિમ સંસ્કાર માટે સુરત, જહાંગીરપુરા ખાતેના સ્મશાનગૃહે ગયા હતા. જયારે વિધિ પૂર્ણ કરી સ્મશાનેથી ઘરે પરત ફરતી વેળા કુદિયાણા ગામ નજીક ટેમ્પાનો ચાલક રોડ ઉપર સામેથી આવતા એક બાઈક ચાલકને બચાવવા જતાં ડાઘુઓ ભરેલો ટેમ્પો માર્ગની સાઈડ પલટી મારી ગયો હતો. જેથી સર્જાયેલા અકસ્માતમાં મૃતક વૃદ્ધાના કુટુંબના જ એક યુવાનનું કરૂણ મોત થયું હતું.જ્યારે અન્ય સાત ડાઘુઓને ઈજા થઇ હતી.
ઓલપાડના આડમોર ગામના વતની રમીલાબેન લક્ષ્મણભાઈ પટેલ તેમના પુત્રના અવસાન બાદ ઓલપાડ ખાતે રહેતી પુત્રી જયા સાથે રહેતાં હતાં.જો કે વૃદ્ધા રમીલાબેનનું ગત શનિવાર,તા. 31 ના રોજ બીમારીને કારણે અવસાન થતાં તેની ડેથ બોડી વતનના આડમોર ગામે વિધિ માટે લાવવામાં આવી હતી.જ્યાં વિધિ બાદ સાંજના સુમારે સ્વ.રમીલાબેનના અંતિમ સંસ્કાર માટે સગાઓ સહિત ગ્રામજનો ટેમ્પા નં.(GJ-15X-6327)માં બેસી સુરત, જહાંગીરપુરા ખાતેની કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિમાં લાવ્યા હતા.
જ્યાં મોડી રાત્રે અંતિમ સંસ્કાર પૂર્ણ થતા આ ડાઘુઓ ફરી ટેમ્પામાં બેસી આડમોર ગામે જવા રવાના થયા હતા.આ ટેમ્પો જયારે સુરત-દાંડી રોડ ઉપર રાત્રે-10:45 વાગ્યાના અરસામાં કુદિયાણા ગામની સીમમાં આવેલ કેરિંગ્ટન ક્લબ એન્ડ રિસોર્ટ નજીકથી પસાર થતો હતો,ત્યારે રોડ ઉપર સામેથી આવતા એક બાઈક ચાલકને ટેમ્પા ચાલક જિગ્નેશ ઈચ્છુ પટેલ(રહે.મોટું ફળિયું, આડમોર,ઓલપાડ)તેને બચાવવા જતાં ટેમ્પાના સ્ટેરીંગ ઉપરનો અચાનક કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો માર્ગની સાઈડમાં પલટી મારી ગયો હતો. જેથી મૃતક રમીલાબેનના દિયરના પુત્ર હિરેન જગદીશ પટેલ(45) ટેમ્પા નીચે દબાતા મોત હતું.
વર્ષ પહેલા જ યુવાનનાં લગ્ન થયાં હતાં
મૃતક યુવાન હિરેન પટેલ એક વર્ષ પહેલા જ હિરેનના લગ્ન ઓલપાડ તાલુકાના કુંકણી ગામે થયાં હતાં.આ અકસ્માત દુર્ઘટનામાં એક જ પરિવારમાં મોતની બે ઘટનાઓ બનતા સમગ્ર આડમોર ગામ સહિત તળપદા કોળી પટેલ સમાજમાં શોકની કાલીમાં પ્રસરી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.