બદતર હાલત:કામરેજના આંબોલી ગામ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર-48 બિસ્માર

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ને.હા ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસે ટોલટેક્ષ ઉઘરાવવામાં કોઈ કસર બાકી રાખી નથી

કામરેજ તાલુકાના આંબોલી નજીકનો અમદાવાદથી મુંબઇ તરફ જતો ને.હા નંબર-48 બદતર હાલતમાં થઈ ગયો છે. લગભગ આઠ માસના વહાણાં વીતવા છતાં તંત્ર પાસે રોડની મરામત કરવા માટેનું મૂહુર્ત મળ્યું નથી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બિસ્માર રોડ રાષ્ટ્રીય ધોરી માર્ગનો દરજ્જો ધરાવતો હોય દિવસ રાત ચોવીસ કલાક મહાકાય અને ભારે વાહનો સહિતનો વાહન વ્યવહાર એના પરથી ધમધમતો રહે છે.

જેથી વાહન વ્યવહારની વજન અને ટન પ્રમાણેની કેપીસીટી ક્ષમતાના માપદંડો સહિત રોડ બનાવવામાં ઉપયોગી મટીરીયલ્સની ગુણવત્તાના ધારા ધોરણ પ્રમાણે રોડની મરામત કરવામાં આવે છે, કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન કહી શકાય એમ છે. રોડ ટેક્ષ સહિતના મસ મોટા ટેક્ષો વાહન ચાલકો ઉઘરાવવામાં આવતા હોય છે. ત્યારે વાહન ચાલકોને સારા રોડની સુવિધા સહિતની સગવડ પણ મળવી જોઈએ.

ગત થોડા મહિના પહેલા જ ટોલ ટેક્ષ ઉઘરાવતી આઇઆરબી નામની એજન્સીની વિદાય બાદ ટોલ ટેક્ષ ઉઘરાવતી ને.હા ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસે ટોલટેક્ષ ઉઘરાવવામાં કોઈ કસર બાકી રાખી નથી. દિવસ રાત વાહન વ્યવહારથી ધમમતા ને.હા નંબર 48 પર આંબોલીથી કામરેજ તરફ જતો રોડ ધોળે દિવસે પણ વાહન ચાલકોને તારા બતાવે એવી ભયંકર બિસ્માર હાલતમાં આવી ગયો છે.

ચોમાસા દરમ્યાન વરસેલા વરસાદમાં એ જ રોડ જે બિસ્માર હાલતમાં હતો, ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ એ રોડ બિસ્માર હાલત છે. ટોલ ટેક્ષ ઉઘરાવતી એજન્સી દ્વારા એ બિસ્માર ને.હા નંબર- 48ના રોડની મરામત કરવાની કામગીરી નહિ કરાતા, પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ તેમના ગંતવ્ય સ્થળે સમયાનુસાર પહોંચી પણ શકતા નથી. વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવો સહિત ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકોનો ઇંધણ વેડફાટ દુખતા પર ડામ સાબિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...