સોમવારના મળસ્કે 1.30 દરમિયાન કડોદરા ખાતે આવેલ મોનિકા જ્વેલર્સ નામની દુકાનમાં થયેલી ચોરી પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી અને કડોદરા પોલીસની સંયુક્ત ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને ઝડપી લઈ આ ગુનો આચરવામાં મદદ કરનાર તેમના માતા પિતાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી ચોરેલો મુદ્દામાલ પૈકીનો 3 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ચોરીના દાગીના વેચીને સ્પોર્ટ્સ બાઈક ખરીદવાની તૈયારી હતી. મોજશોખ માટે ચોરી કરી હોવાનું જાણવા મળેલ છે.
ગત 13મી માર્ચના રોજ મળસ્કે 1.30થી 2.30 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે બસ સ્ટેન્ડની સામે નવા બનેલા ગીતા હાઉસ કોમ્પ્લેક્સમાં આવેલ મોનિકા જ્વેલર્સ નામની સોના ચાંદીના શો રૂમમાં બે અજાણ્યા તસ્કરોએ બાજુના બિલ્ડીંગની છત પરથી બિલ્ડીંગના ઈમરજન્સી ગેટમાંથી શોરૂમમાં પ્રવેશ કરી દુકાનમાંથી 4.57 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી ગયા હતા. ચોરી થતી હતી તે સમયે એલાર્મ વાગતા શો રૂમના માલિકને ચોરીની ઘટના અંગે જાણ થઈ ગઈ હતી.
2022માં પણ કપડાની દુકાનમાં 4.50 લાખની ચોરી કરી હતી
પોલીસની પૂછતાછ દરમ્યાન ચોંકાવનારી હકીકતો પ્રાપ્ત થઈ છે. ચોરી કરનાર સગીર બાળકોએ વર્ષ 2022માં વરેલી ખાતે આવેલ રાજશ્રી ક્રિએશન નામની કપડાંની દુકાનમાંથી 4.50 લાખ રોકડની રૂપિયાની ચોરી કરી હતી. અગાઉ ગુનો આચરી ચૂકેલા બંને ભાઈઓએ મોનીકા જ્વેલર્સની નવી દુકાન ખૂલતાં જ દુકાનની મુલાકાત લીધી હતી અને છેલ્લા પંદર દિવસ દરમ્યાન દુકાનની રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને તે દાગીના માતા પિતાએ છુપાવી બંને બાળકોને ચોરી કરવા પ્રોત્સાહન પૂરં પાડ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ વરેલી તરફ ભાગી છૂટ્યા હતા તે દરમ્યાન મોપેડ પણ ત્યાં જ મૂકી ગયા હતા. બીજા દિવસે એક બાળ ગુનેગાર તેમજ તેના પિતા રૂપારામ ગુનાવાળી જગ્યાએ મૂકી આવેલ મોપેડ લઈ આવ્યા હતા. ગુનાનો ભેદ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજની ભૂમિકા મહત્વની રહી હતી.
ચોરીના પૈસે સ્પોર્ટ્સ બાઇક લેવાના હતા
ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ મોજ શોખ કરવા માટે આ રૂપિયાનો ઉપયોગ કરવાના હતા. બંને ભાઈઓ આ દાગીના વેચી નવી સ્પોર્ટ્સ બાઇક ખરીદવા માગતા હતા. આ બે બાળ આરોપીઓ પૈકી એક ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ મંગળવારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું એક પેપર પણ આપી આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બાળકનું ભવિષ્ય બગડે નહીં એ માટે આવતીકાલે પણ તેમને પરીક્ષા આપવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.