મહુવામાં પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ:સાસુ સસરાને મારી ધમકીઓ આપી કાઢી મુકતી; જીવના જોખમની બીકે ફરિયાદી માતા મોટા પુત્રને ત્યાં રહેવા મજબૂર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના મહુવા તાલુકાના બુધલેશ્વર ગામે પોતાના નાના પુત્ર અને પુત્રવધુ સાથે રહેતી માતાએ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેની પુત્રવધુના પિયર પક્ષની ચડામણીના કારણે તેની નાની પુત્રવધુએ અવારનવાર અંદરો અંદર બખડતા પુત્ર અને તેની પત્ની વચ્ચેના ખટરાગને નિવારવા મધ્યસ્થી કરવાના પ્રયાસ કરતા પુત્રવધુએ પોતાની સાસુને ગાલ ઉપર તમાચા મારવા સાથે ઢીકમૂકીનો મારમારી તેના ઘરમાં આવેલા મંદિર પાસેના પથ્થર ઉપર ધક્કો માર્યો હતો. સાસુને કમરના ભાગે ઈજા પહોંચાડવા સાથે લાત મારી ઈજાઓ પહોંચાડી ઘરમાંથી કાઢી મૂકી ઘરને તાળા મારી સાસુ સસરાને ઘરમાં નહીં આવવા દઉં અને આવશો તો દહેજ અને રેપ કરવાનો કેસ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જે મામલે સાસુ સવિતાબેન રણછોડભાઈ ઘોઘારી એ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે.

મહુવા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ આપતા સવિતાબેન રણછોડભાઈ ઘોઘારીના જણાવ્યા મુજબ તેના નાના પુત્ર અનિલ અને તેની પત્ની પૂજા તેની સાથે રહેતા આવ્યા છે. બને પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડાઓ થતા હતા. ગત તારીખ ત્રીજી જાન્યુઆરીના રોજ ફરી એક વાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં ફરિયાદી સવિતાબેને બંનેને શાંત કરવાની કોશિશ કરી હતી. તેમની પુત્રવધુ પૂજા એ પોતાની સાસુને ઢીકમુકીનો માર મારી ધક્કો મારી જમીન ઉપર પછાડી દેતા તેના સાસુ ઘરમાં આવેલા મંદિરના પથ્થર ઉપર પછડાતા તેમને કમરના ભાગમાં ઇજાઓ પહોંચી હતી.

આ સમયે પણ લાતો મારી પુત્ર વધુએ ઝપાઝપી કરી ઘરની બહાર ઊભેલી તેના જેઠની બ્રેઝા કાર ઉપર ઇટનો ઘા કરતા વાહનને નુકસાન સહિત સાસુને પણ પગને આંગળીઓમાં ઈંટ વાગી હતી. સાસુ સસરાને ઘરની બહાર કાઢી ઘરની જાળી ઉપર તાળું મારી પુત્ર વધુએ ધમકીઓ આપતા જણાવ્યું હતું કે, ઘરમાં આવતા નહીં, અને આવશો તો દહેજ અને બળાત્કારની ફરિયાદ દાખલ કરીશ. ગામમાં રહેતા સમાજના લોકો અને પાડોશીઓ સાથે સમજાવટનો પ્રયત્ન કરવા છતાં પુત્ર વધુએ ઘરના તાળા ન ખોલતા છેવટે મહુવા પોલીસને બોલાવી મકાનના તાળા ખોલાવાયા હતા. આ સમયે પોતાની જાનનુ જોખમ લાગતા ફરિયાદી સાસુ તેના મોટા પુત્રના ઘરે રહેવા જતા રહ્યા હતા.

બુધલેશ્વર મુકામે પાછા ફરવાના સમયે ફરીયાદી સાસુને ફરી એકવાર દુખાવો ઉપડતા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર લઈને ફરિયાદી સાસુએ મહુવા પોલીસ મથકે પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ આપતા પુત્રવધુના પિતા હિંમત શામજી ડુમરાળીયા, માતા વાસંતી, ભાઈ મયુર તથા બહેન ગાયત્રી અને એના પતિ દીપની ચઢામણીના કારણે તેની પુત્રવધુ ત્રાસ ગુજારતી હોવાનું જણાવતા મહુવા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...