સમસ્યા:બારડોલીના સ્ટેશન રોડ પર માટી ઢગલાની મોકાણ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના સ્ટેશન રોડ પર ખડકાયેલા માટીના ઢગલાને કારણે હાલાકી. - Divya Bhaskar
બારડોલી નગરના સ્ટેશન રોડ પર ખડકાયેલા માટીના ઢગલાને કારણે હાલાકી.
  • માટીના ઢગલનાને કારણે માર્ગ સાંકડો થતા ટ્રાફિક વકરવાની સાથે અકસ્માતનો ભય

બારડોલી સ્ટેશન રોડ પર રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવતી દીવાલના કામે ખોદવામાં આવેલી માટીના ઢગલા રસ્તા નજીક જ પાથરી દેવામાં આવતાં રસ્તો સાંકડો થઈ ગયો છે અને વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે.

બારડોલી રેલવે સ્ટેશન થી સુગર ફેકટરી નજીકના અન્ડર ગ્રાઉન્ડ ગરનાળા સુધી આવેલી કેબીનને રેલવે તંત્ર દ્વારા ગત સમયમાં ખસેડવામાં આવી હતી. આ ખુલ્લી થયેલી જગ્યામાં રેલવે વિભાગ દ્વારા ગત પંદરેક દિવસથી પાકી દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલમાં દીવાલના કેટલાક ભાગમાં પાયો ભરાઈ ગયો છે જ્યારે આગળ હજી કામ થઈ રહ્યું છે. આ દીવાલ બનાવવાના કામે એજન્સીના માણસો દ્વારા સ્ટેશન રોડને લાગીને જ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા અને તેમાંથી નીકળતી માટી રોડ પર પાથરી દેવામાં આવી હતી.

આ માટીના ઢગલા હજી પણ રોડને લાગીને જ પડેલા હોવાથી ઘણી જગ્યાએ રોડ સાંકડો થઈ ગયો છે અને એવાં સ્થળેથી મોટા વાહનો પસાર કરવા મુશ્કેલ બની રહ્યાં છે. ખાસ કરીને અન્ડર ગ્રાઉન્ડ ગરનાળા નજીક આવેલા સર્કલ પાસે તો માટીના ઢગ રસ્તા નજીક એ રીતે આવી ગયા છે કે ફોર વ્હીલ કાઢવી પણ મુશ્કેલ બની રહી છે અને રાત્રીના સમયે પણ વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે.

આ દીવાલનું કામ કરતી એજન્સી જ્યાં દીવાલના પાયા બની ગયા છે ત્યાં માટી પુરાણ કરી રસ્તો ખુલ્લો કરે અને જ્યાં માટી મોટા પ્રમાણમાં રસ્તા નજીક આવી ગઈ છે એને યોગ્ય સ્થળે ખસેડી રસ્તાનો ભાગ ખુલ્લો કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...