બારડોલીમાં વરસાદી તાંડવ:રાજીવનગરના 70થી વધુ ઘરોમાં પાણી ભરાયા, લાચાર મહિલાએ કહ્યું- મારી શ્વાસની બીમારીની દવા પાણીમાં તણાઈ, હવે કેવી રીતે ખરીદું?

બારડોલી3 મહિનો પહેલા
  • ગરીબ પરિવારોનું અનાજ-પાણી તેમજ ઘરવખરીનો સમાન પાણીમાં તણાયો
  • રાજીવ નગર ગલી નં.1, 2 અને 3ના 70થી વધુ ઘરોમાં પાણી ભરાયા

બારડોલી નગરમાં સતત વરસી રહેલા વરસી રહેલા વરસાદના પગલે નગરનાં ગાંધીરોડ પર આવેલા રાજીવ નગર ગલી નં.1, 2 અને 3માં 70થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. ઘણા પરિવારો ધોધમાર વરસાદમાં બેસી પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ શ્વાસની બીમારીથી પીડાતી ગરીબ પરિવારની મહિલાની દવા પાણીમાં તણાઈ જતા હાલાકી ભોગવી રહી છે.

મહિલાની એક હજાર રૂપિયાની દવા તણાઈ ગઈ
સુરત જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના પગલે નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જેને પગલે ગાંધીરોડ પર આવેલા રાજીવ નગર ગલી નં.1, 2 અને 3ના 70થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા, ગરીબ પરિવારોનું અનાજ-પાણી તેમજ ઘરવખરીનો સમાન પાણીમાં તણાયો હતો. જેના કારણે ગરીબ પરિવારોએ ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ રાજીવ નગર ગલી નંબર 2માં રહેતી સબાનાબેનની શ્વાસની બીમારીની 1 હજાર રૂપિયાની કિંમતની દવા પાણીમા તણાઈ ગઈ હતી. જેને લઈ મહિલા સહિત પરિવારે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

તંત્રને જાણ કરવા છતાં હજુ કોઈ આવ્યું નથી : આરીફ પટેલ, સ્થાનિક નગર સેવક
નગરમાં ધોધમાર વરસાદ વરસતા બારડોલીના ગાંધીરોડ ખાતે આવેલા રાજીવ નગરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા થાય છે. હાલ છેલ્લા ઘણા દિવસોથી નગરમાં ધોધમાર વરસાદના કારણે ફરી રાજીવ નગરમાં પાણી ભરાયા છે. સ્થાનિક નગર સેવક દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે. છતાં કોઈ ફરક્યું સુદ્ધાં નથી, જેના કારણે સ્થાનિકો પૂરગ્રસ્ત પરિવારના વ્હારે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...