મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી રિક્ષામાં લવાતો વિદેશી દારૂનો જથ્થો બારડોલી રૂરલ પોલીસે ઓરગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ ટાઉન પોલીસે ખલી ગામની સીમમાં ઝાડી જાખરામાં ઉતારેલા વિદેશી દારૂનો જથ્થો મળી 59 હજાર 320નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બન્ને રેડ દરમિયાન પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે.
નીતિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નવાપુર ખાતે આવેલા વાઇનશોપમાંથી વિદેશી દારૂનો જથ્થો છકડામાં ભરી આવી રહ્યો હોવાની બાતમી બારડોલી પોલીસને મળતા પોલીસે અકોટી ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન છકડો આવી ચડતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા 126 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 34 હજાર 120 અને છકડો મળી 2 લાખ 06 હજાર 010નો મુદ્દામાલ કબ્જે કરી ઇન્દ્રેશ ગામીત અને પ્રકાશ ગામીતની અટક કરી છે. જ્યારે અસ્તાનનાં નીતિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે.
દિનેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી, કાર્યવાહી હાથ ધરી
બીજી તરફ બારડોલી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, ખલી ગામની સીમમાં બારડોલીથી કેદારેશ્વર મંદિર તરફ જતા રોડની બાજુમાં ઝાડી જાખરમાં જાહેરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂની બોટલો નંગ 132 જેની કિંમત રૂપિયા 25 હજાર 200નો મુદ્દામાલ કબજે કરી બાબેન ગામના વિરાજ શશીકાંત કદમની અટકાયત કરી છે. જ્યારે દિનેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.