પાણીજન્ય રોગને આમંત્રણ:આખા બારડોલીને પીવાનું પાણી પુરૂં પાડતી મીંઢોળામાં રોજ ઠલવાય છે 17 હજાર ડ્રેનેજ કનેક્શનનું ગંદુ પાણી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકમાતા મીંઢોળાને સ્વચ્છ રાખવાની વાતો કરતું તંત્ર કામગીરીના સમયે હંમેશા વામણું
  • ચોમાસુ દ્વાર પર ઉભું છે તેમ છતાં હજી સુધી જળકુંભી સહિતની ગંદકી સફાઈ ન કરાતા નગરજનોમાં રોષ

બારડોલી નગરમાંથી પસાર મીંઢોળા નદીમાં વર્ષોથી નગરનું ગંદુપાણીને જતું અટકવવામાં પાલિકાના શાસકો નિષ્ફળ રહ્યા છે. આજે પણ નગરનું ડ્રેનેજનું ગંદુપાણી નદીમાં જ છોડવામાં આવી રહયું છે. બીજી તરફ ચોમાસુ નજીક હોવા છતાં નદીની સફાઈ કરવામાં પણ શાસકો નિષ્ક્રિય છે. જ્યારે આ નદીનું પાણી નગરજનોના પીવા માટે ઉપયોગ થતો હોય, પાલિકાની પણ જવાબદારી બને, વર્ષમાં એકવખત સફાઈ કરવી જરૂરી છે. હાલ નદીમાં જડકુંભી સહિત કચરો નદીમાં એકત્રિત થતગંદકી થઈ રહી છે.

નગરનું ગંદુ પાણી આ 4 સ્થળેથી નદીમાં ભળી રહ્યું છે
નગરનું ગંદુ પાણી આ 4 સ્થળેથી નદીમાં ભળી રહ્યું છે

બારડોલી નગરપાલિકા ચોમાસુ પહેલા મીંઢોળા નદીમાં પાણી ઓછું થતા જ ગંદકી થતી હોવાથી નદીમાં આરોગ્ય વિભાગની ટીમ સફાઈ કરતી હોય છે. પરંતુ આ વખત મેં માસના માત્ર 10 દિવસ બાકી હોવા છતાં નદીની સફાઈ બાબતે પાલિકાના શાસકોએ કામગીરી કરાવી શક્યા નથી. હાલ નદીમાં જળકુંભી સહિત કચરાના કારણે નદીમાં પાણી ઘટવાથી ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. બંને કિનારે કુંભી અટકી ગઈ છે. જેનાથી વહેણને અવરોધ થઈ રહ્યો છે.

ગણેશ વિસર્જન ઓવરા પર પૂજા બાદ બચેલા સામાન અહીં મોટા ભાગે પાણીમાં નાખવામાં આવતો હોવાથી અંદર ગંદકી જોવા મળે છે. જ્યારે 65 હજારથી વધુ નગરજનો માટે રોજનું બે ટાઈમ નદીનું પાણી વિતરણ કરવામાં આવતું હોય, ગંદકી વધતા પાણીજન્ય રોગને આમંત્રણ આપી શકે.

જળકૂંભીના થર જામતા ગંદકીનું પ્રમાણ વધ્યું
રામજી મંદિરના લો લેવલ પુલથી લઈને જુના પુલ નીચે સુધીના વિસ્તારમાં જળકુંભીના કિનારા પર થર જામેલા જોવા મળે છે. સાથે નદીમાં આવતો કચરો આ જળકુભીમાં અટકી પડતા લીલ જામી જતા ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે.

લાઇનના અભાવે STP પ્લાન્ટ શોભાનો ગાંઠિયો
ડ્રેનેજનું ગંદુ પાણી ખેંચવા, 5 પંપિંગ સ્ટેશનોની સુવિધા હોવા છતાં, નગરના 17,000 ગટર કનેક્શનોનું ગંદુ પાણીને એસટીપી પ્લાન્ટમાં લઈ જવા માટે લાઈનની સુવિધા નથી. જેથી ગંદુ પાણી સીધું નદીમાં જ છોડવામાં આવે છે.

નિરસ વલણને કારણે પાલિકા ગ્રાન્ટથી વંચિત
જળ સંચય અને શુધ્ધિકરણ માટે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ બારડોલી નગરપાલિકાએ મીંઢોળા નદીના શુધ્ધિકરણ માટે દરખાસ્ત કરવાનાં અભાવે જરૂરી ગ્રાન્ટ મળી નથી. અને સમયસર સફાઇ પણ થઇ શકી નથી.

નગરનું ગંદુ પાણી આ 4 સ્થળેથી નદીમાં ભળી રહ્યું છે
પાલિકાનો પાણીનો ઇન્ટેકવોલની ઉપર જૂના પાવરહાઉસ વિસ્તારનું અને નીચે ફાયર સ્ટેશનની સામેના સલ્મ વિસ્તારનું ગંદુ પાણી નદીમાં ભળે છે. તલાવડી અને શેઠ ફળિયા વિસ્તારનું ગંદુ પાણી તલાવડી ખાતે નદીમાં ભળે, જ્યારે પમ્પિંગ સ્ટેશનનું ગંદુ પાણી ખાડી વાટે ચાણક્યપુરી પાસે નદીમાં ભળી દૂષિત કરી રહ્યું છે.

ખાડી અને વરસાદી લાઇનના કામ બાદ મિંઢોળાની સફાઇ
હાલ નગરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ખાડીની સફાઇ, વરસાદી પાણીની લાઈનની સફાઈ સહિતની કામગીરી ચાલી રહી છે. જે કામ પૂરું થયા પછી મીંઢોળા નદીની સફાઈ બાબતે આયોજન કરીશું. - રાજેશભાઈ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર, નગરપાલિકા બારડોલી

ગંદુ પાણી નદીમાં ભળતું અટકાવાશે
નગરમાં પ્રિમોન્સૂનની કામગીરી ચાલુ હોય, નગરની ખાડીઓ, વરસાદી લાઈનો અને ચેમ્બરોની સફાઈની પહેલી પ્રાયોરિટીમાં કામ ચાલુ છે. ત્યારબાદ મીંઢોળા નદીની સફાઈ કરાશે. નદીમાં ભળતું ગંદુપાણીને પણ વહેલી તકે બંધ કરવાના પ્રયત્નો છે. - નીતિનભાઈ શાહ, કારોબારી ચેરમેન, બારડોલી પાલિકા

અન્ય સમાચારો પણ છે...